ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈમાં પાળેલા શ્વાનનું રજિસ્ટ્રેશન મુંબઈ મહાનગરપાલિકામાં કરવું ફરજિયાત છે, છતાં મુંબઈમાં ગણતરીની સંખ્યા માં કહેવાય એમ માત્ર 12,000 શ્વાનના માલિકોએ જ પાલિકામાં તેમના પાળેલા ડોગ રજિસ્ટ્રેશન કર્યા છે. તેથી પાલિકાએ પાળેલા શ્વાનોનું સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં શ્વાન પાળવાનું પ્રમાણ વધારે છે. તેની માટે મુંબઈ મહાનગરપાલિકા પાસે લાયસન્સ લેવું આવશ્યક છે. જોકે મુંબઈના મોટાભાગના પ્રાણીપ્રેમીઓ પોતાના પેટ ડોગ રજિસ્ટર્ડ કરાવ્યા નથી. તેથી પાલિકા હવે મુંબઈના પાળેલા શ્વાનના સર્વે કરવાની છે અને તે હેઠળ જે લોકોએ હજી સુધી પોતાના ડોગ માટે લાયસન્સ લીધા નથી. તેમને તુરંત લાયસન્સ આપશે. જે લોકો લાયસન્સ લેવામાં આનાકાની કરશે, તેમના શ્વાન જપ્ત કરી લેવાશે.
પાલિકાના જણાવ્યા મુજબ મુંબઈમાં 40થી 50,000ની સંખ્યામાં પાળેલા શ્વાન છે. પરંતુ તેમાંથી માંડ 10થી 12 હજારનું રજિસ્ટ્રેશન થયું છે. લોકો ફકત 150 રૂપિયા લઈને રજિસ્ટ્રેશન કરાવાની લાયસન્સ લઈ શકે છે. છતાં લોકો તેમ કરવાનું ટાળે છે.
શ્વાન પાળવા માટે પણ પાલિકાના અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. માલિકોએ પોતાના શ્વાનને હડકવાનું ઈન્જેકશન આપ્યું હોવાનું સર્ટિફિકેટ સહિતના અમુક દસ્તાવેજો પાલિકામાં જમા કરાવવાના હોય છે. તેમ જ પાળેલો શ્વાન સાર્વજનિક સ્થળે ગંદકી ફેલાવશે નહીં એવું એફિડેવિડ પણ આપવાનું હોય છે.
મુંબઈમાં 2018થી 2020 દરમિયાન મુંબઈમાં 3,15,222 લોકોને કૂતરા કરડયા હતા, તેમાંથી 20થી 25 ટકા કેસ પાળેલા શ્વાનના કરડવાના હતા.