ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,24 જાન્યુઆરી 2022
સોમવાર.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સર્જાયેલા ધૂળના તોફાનને કારણે મુંબઈના વાતાવરણમાં જબરદસ્ત પલટો આવ્યો હતો. મુંબઈગરાને રવિવારની સવારના વાતાવરણ એકદમ ધૂળિયું અને ધુંધળું જોવા મળ્યું હતું. જાણે મુંબઈના માથા પર કોઈએ ધૂળની ચાદર ઓઢાવી નાખી હોય એવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
હવામાન ખાતાના કહેવા મુજબ બલુચિસ્તાનમાં ધૂળનું તોફાન સર્જાયું હતું. વેસ્ટર્ન ટર્ફ અને વાતાવરણમાં રહેલા ભેજને કારણે આ ધુળિયુ તોફાન સર્જાયું હતું
શનિવારના મુંબઈના અમુક વિસ્તારમાં હળવા વરસાદ બાદ રવિવારના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ઠંડા પવનો ફૂંકાવાની સાથે જ વાતાવરણ એકદમ ધૂંધળું થઈ ગયું હતું. વિઝિબિલિટી પણ એકદમ ઓછી થઈ હતી. ચારે તરફ જાણે ધૂળ હોય એવું આખો દિવસ સુસ્ત વાતાવરણ રહ્યું હતું. રવિવારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ 333 જેટલો રહ્યો હતો.
હવામાન ખાતાના કહેવા મુજબ બલુચિસ્તાનથી ગુજરાતના સૌરાષ્ટ્ર પરથી પસાર થઈને મુંબઈ સહિત ઉત્તર્ કોંકણ સુધી તે આવી પહોંચ્યું હતું. જોકે હવામાન ખાતાના કહેવા મુજબ તેની અસર ટૂંકા ગાળાની હતી. તેથી સોમવારે મુંબઈનું વાતાવરણ મહમદઅંશે ફરી ચોખ્ખું જણાયું હતું.