ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈના ફલાયઓવર અને ફૂટઓવરના બ્રિજના સમારકામ પાછળ મુંબઈ મહાનગરપાલિકા કોન્ટ્રેક્ટરોને વધુ છ કરોડ રૂપિયા ચૂકવવાની છે.
દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે આવેલો હિમાલય ફૂટઓવર બ્રિજ તૂટી પડયો હતો. આ દુર્ઘટના બાદ પાલિકાએ તાત્કાલિક ધોરણે મુંબઈના તમામ પુલોના ઑડિટ કર્યા હતા, જેમાં અમુક પુલના સમારકામના કામમાં ફેરફાર કરવાની સલાહ સ્ટ્રક્ચરલ ઓડિટરે આપી હતી. તેથી મુંબઈના જે પુલના સમારકામ માટે ૨૩ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો, તે હવે વધીને ૩૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મહાડમાં આવેલો સાવિત્રી પુલ તૂટી પડયા બાદ પાલિકાએ તાત્કાલિક ધોરણે તમામ પુલના સ્ટ્રક્ચરલ ઓડિટ કર્યા હતા. જેમાં મહાલક્ષ્મી સ્ટેશન, કરી રોડ સ્ટેશન, સાયન સ્ટેશન, રે રોડ સ્ટેશન, મુંબઈ સેન્ટ્રલ, ગ્રાન્ટ રોડ આ રેલવે સ્ટેશન પરના પુલના સમારકામ કરવાની જરૂરત હોવાનું કહેવામાં આવ્યું હતું. એ સિવાય સાયન હૉસ્પિટલ પાસેનો પુલ, માહિમ ફાટક અને દાદર-ધારાવી નાળા પરનો ફૂટ ઓવર બ્રિજનું સમારકામ કરવાની સલાહ આપવામાં આવી હતી. તે મુજબ પાલિકાએ આ તમામ પુલના સમારકામ માટે ૨૦૧૯માં કૉન્ટ્રેક્ટર આપ્યો હતો, જોકે હિમાલય પુલ તૂટી પડયા બાદ શહેરના તમામ પુલ અને ફૂટઓવર બ્રિજનું ફરી સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવ્યું હતું.
અગાઉ રેલવે પાટા ઉપરથી જતા મહાલક્ષ્મી, કરી રોડ, ટિળક પુલ, દાદર ફૂલ બજાર પાસેના પુલનો સમારકામનો ખર્ચ વધી ગયો હતો. તેમાં હવે અન્ય પુલના સમારકામનો ખર્ચ વધી ગયો છે. આ છ પુલના સમારકામના મૂળ કૉંન્ટ્રેક્ટની રકમ ૨૩ કરોડ ૧૭ લાખ રૂપિયા જેટલી હતી. તેમાં પાંચ કરોડ ૭૨ લાખ રૂપિયાથી વધારો થઈને તે હવે ૨૮ કરોડ પર પહોંચી ગયો છે, તેમાં જુદા જુદા કરને જોડીને આ ખર્ચ ૩૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.