News Continuous Bureau | Mumbai
ઘરમાં ખાદ્ય પદાર્થ અને માલ-સામાનની ડિલિવરી કરવા આવનારા ડિલિવરી બોયઝ દ્વારા ઘરમાં ઘૂંસીને લૂંટમાર કરવાના અને હુમલા કરવાના બનાવ વધી ગયા છે. તેને લગતી ફરિયાદો આવ્યા બાદ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ ડિલિવરી બોયઝને નોકરીએ રાખતા પહેલા તેમનું કેરેક્ટર સર્ટિફિકેટ લેવાનો આદેશ આપ્યો છે.
મુંબઈ પોલીસ કમિનશર પદનો તાજ સ્વીકારવાની સાથે જ પાંડેએ મુંબઈગરાની મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન આપવાનું ચાલુ કરી દીધું છે. જેમાં મુંબઈમાં ગુનાખોરી, ટ્રાફિકજામની સમસ્યાઓ રોકવા માટે આવશ્યક પગલાં લીધા બાદ કમિશનરે કુરિયર અને ફૂડ ડિલિવરી કંપનીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ડિલિવરી બોયઝને નોકરી પર રાખવા પૂર્વે તેનું કેરેક્ટર સર્ટિફિકેટ મેળવવાનું કહેવામાં આવ્યું હતું. જો તેમના થકી કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો એ માટે કંપનીને જવાબદાર રહેશે, એવી ચોખ્ખી ચેતવણી પણ તેમણે આપી હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો :મુંબઈ રવિવારે સતત બીજા દિવસે ભારે ગરમી આજે તાપમાન આટલું રહેવાની શક્યતા.
આ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક દરમિયાન કમિશનરે તેમને ડિલિવરી બોયઝને જરૂરી પ્રશિક્ષણ આપવાની સલાહ પણ આપી હતી. કામ બાબતે કરારપત્ર અને જરૂરી દસ્તાવેજો તેમની પાસેથી લેવાના રહેશે. ડિલિવરી બોયઝ બેદરકારીથી વાહન હંકારે છે. ફૂટપાથ પરથી બાઇક ચલાવે છે. રોંગ સાઇડથી ચલાવે છે. રસ્તાઓ પર ભેગા થઇને મોટા અવાજમાં વાતો કરે છે. આ બધું રોકવા માટે તેમને સમજ આપવાનો આદેશ પણ કમિશનરે આપ્યો હતો.
આ દરમિયાન રવિવારે કમિશનરે પોલીસ સ્ટેશનમાં આવતા લોકોને મહેમાન ગણો અને તેમની સાથે વ્યવસ્થિત વાત કરો. જો કોઇ સિનિયર સિટીઝન આપણા પોલીસ સ્ટેશનમાં આવે તો તેમને પાણી પીવડાવો, એવી સૂચના પણ પોલીસોને આપી હતી.
