News Continuous Bureau | Mumbai.
શરૂઆતમાં મોળો પ્રતિસાદ મળ્યા બાદ હવે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેન્ટ્રલ રેલવેની એસી લોકલ પીક અવર્સમાં ફૂલ ભરાઈને જઈ રહી છે. જોકે એસી લોકલને કારણે સેન્ટ્રલ રેલવેનું ટાઈમટેબલ ખોરવાઈ ગયું છે. દરરોજ સેન્ટ્રલ રેલવેની ટ્રેનો તેના ટાઈમટેબલથી 30થી 35 મિનિટ મોડી દોડી રહી છે.
એસી લોકલને પીક અવર્સમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સવારના સમયમાં કલ્યાણ-ડોંબીવલીથી ઉપડતી એસી લોકલમાં બેસવાની જગ્યા મળતી નથી. સેન્ટ્રલ રેલવે પણ એસી લોકલને મળી રહેલા પ્રતિસાદથી ખુશ છે. તેથી તેણે એસી લોકલની ફેરી પણ વધારી દીધી છે. જોકે તેને કારણે સામાન્ય ટ્રેનોની ફ્રીકવન્સી ઘટી ગઈ છે. એટલું જ નહીં પણ એસી લોકલને કારણે સેન્ટ્રલ રેલવેનું શેડ્યુલ ખોરવાઈ ગયું છે અને ટ્રેનો પણ મોડી પડી રહી છે. તેથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : પ્રોપર્ટી ટૅક્સ નહીં ચૂકવનારા મુંબઈ મેટ્રો વનને BMC એ આપી આટલા દિવસની મુદત.. જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ રેલવેમાં પાંચમી અને છઠ્ઠી લાઈનનું કામ પૂરું થયા બાદ 34 નવી એસી લોકલની ટ્રેનો લંબાવવામાં આવી છે. હાર્બર લાઈનમાં સીએસએમટીથી પનવેલ-ગોરેગામ અને મેન લાઈન પર સીએસએમટીથી કલ્યાણ પર એસી લોકલ ટ્રેનના 60 ફેરા ચલાવવામાં આવી રહ્યા છે. અમુક ટ્રેનો બદલાપુર સુધી લંબાવવામાં આવી છે, જેમાં પીકઅવર્સમાં સવારે વધુ ભીડ હોય છે.
એસી લોકલના ટ્રેનના દરવાજા ઓટોમેટિક દરવાજા ખુલતા-બંધ હોય છે. તેથી તેન અન્ય લોકલ કરતા વધુ સમય લાગે છે. તેથી ટ્રેનના ટાઈમટેબલને અસર થઈ હોવાનું માનવામાં આવે છે.