ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર, 2021
શનિવાર
કોરોનાકાળમાં દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વ્યસ્ત છે. આ માટે લોકો પોતાના આહારમાં ફળોનો સમાવેશ કરીને તેનું સેવન કરે છે. લોકો વધુને વધુ ફળો ખાવા લાગ્યા છે. આ જ કારણ છે કે વાશી સ્થિત એપીએમસીના ફ્રુટ માર્કેટમાં વિદેશથી આયાત થતા ફળોની માંગ વધી છે. હવે ફ્રુટ માર્કેટમાં આફ્રિકાના મલાવી દેશની હાફૂસ કેરીની આયાત શરૂ કરવામાં આવી છે. જેનું પહેલું બોક્સ માર્કેટમાં આવી ગયું છે. શુક્રવારે વાશીના ફ્રુટ માર્કેટમાં દક્ષિણપૂર્વ આફ્રિકાની હાફૂસ કેરીના 230 બોક્સ આવ્યા છે. કેરીની કિંમત 1,200થી 1,500 રૂપિયા પ્રતિ કિલો છે.
દક્ષિણપૂર્વ આફ્રિકાના મલાવી દેશની કેરીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં વેચાણ માટે આવી રહી છે. મલાવીનું વાતાવરણ મહારાષ્ટ્રના કોંકણ જેવું છે. તેથી ત્યાંના ખેડૂતો 12 વર્ષ પહેલાં ભારતમાંથી હાફૂસના રોપ લઈ ગયા હતા. હાફૂસ જેવો સ્વાદ, રંગ અને આકાર ધરાવતી મલાવીની કેરી દિવાળી દરમિયાન બજારમાં આવતી હોવાથી ગ્રાહકોને પસંદ પડે છે. આ વર્ષે મુંબઈ બજાર સમિતિમાં શુક્રવારે 230 બોક્સ કેરીઓ આવી છે. 3 કિલો વજનનું એક બોક્સ છે. જેમાં 9થી 12 કેરીઓ છે. આ વર્ષે હવાઈ પરિવહનના વધતા ખર્ચને કારણે મલાવીની કરી ગ્રાહકોએ ઊંચા દરે ખરીદી કરવી પડશે.
ઉપરાંત ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઈરાન, તુર્કી, ચીન, બેલ્જિયમ, કેલિફોર્નિયા જેવા દેશોમાંથી પણ ફળોની આયાત કરવામાં આવી હતી. જેમાં સ્પેનના હાફૂસ, કિવી, બ્લુ બેરી, દ્રાક્ષ વગેરે જેવા ફળોનો સમાવેશ થતો હતો. આ ફળોની કિંમત વધુ હતી. ચાલુ વર્ષે પણ આ વિદેશી ફળોના આગમનની રાહ જોવાઈ રહી છે. કેલિફોર્નિયા જેવા દેશોમાંથી પણ ફળો આયાત કરવામાં આવતા હતા.