ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
દહીસર(વેસ્ટ)માં દિનદહાડે ઘરના તાળા તોડીને કબાટની તિજોરી માંથી લાખો રૂપિયાના સોનાના કિંમતી ઘરેણાં અને લાખો રૂપિયા લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. તેને પગલે સ્થાનિક પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. ચોંકાવનારી વિગત એ છે માત્ર અડધા કલાકની અંદર જ ઘરને લૂંટી લેવાનો બનાવ બન્યો હતો.
સોમવારના 20 ડિસેમ્બરના ઘરમાં થયેલી ચોરી બાબતે વ્યવસાયે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અને નોર્થ મુંબઈ કોંગ્રેસના સેક્રેટરી ભુપેશ ગુપ્તાએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે માત્ર અડધા કલાકની અંદર જ ઘરને લૂંટી લેવાનો બનાવ બન્યો હતો, જે બહુ ચોંકાવનારો બનાવ છે. લૂંટારુઓએ અમારા ઘર પર અને ઘરના પરિવારના સભ્યો પર નજર રાખીને આવા-જવાના સમયને ધ્યાનમાં રાખીને આખો લૂંટના બનાવને અંજામ આપ્યો છે.
સોમવારના બનાવ બાબતે ભૂપેશ ગુપ્તાએ કહ્યું હતું કે મારા પત્ની સવારના 6.30 વાગે ઓફિસ ચાલ્યા હતા. હું પણ સવારના 9.30 વાગ્યાની આસપાસ બાંદરા આવેલી ઓફિસ જતો રહ્યો હતો. મારા બાળકો બંને ઘરે હતા. 12.40 મારો દીકરો કોલેજમાં પરીક્ષા આપવા નીકળી ગયો હતો. મારા પત્ની બપોરના 1.20 ના ઘરે આવ્યા હતા. એ દરમિયાન તેમને ઘરનો દરવાજો અડધો ખુલ્લો દેખાયો હતો. ઘરમાં જતા જ તેમને ઘરના કબાટ અને તિજોરી તોડીને ઘરમાં લૂંટ થઈ હોવાનું જણાયું હતું. ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ચોર ભાગી છૂટયો હતો.
માત્ર અડધા કલાકની અંદર આખો લૂંટનો બનાવ બની ગયો હોવાનું બોલતા ભૂપેશ ગુપ્તાએ કહ્યું હતું કે, મારો દીકરો 12.40 ના ઘરેથી નીકળ્યો ત્યારે તેને બીજા માળા પર એક સફેદ શર્ટ વાળો અને હાથમાં સફેદ થેલી લઈને ઉપર જતા એક માણસ દેખાયો હતો. બંને સામસામે ભટકાઈ ગયા હતા. એ કોલેજ જવા નીકળી ગયો હતો અને મારા પત્ની 1.20 વાગે એટલા સમયમાં જ આ ચોરી થઈ હતી. જે શખ્સ મારા દીકરાને બીજા માળા પર ભટકાયો હતો, તેના પર જ અમને શંકા છે. કારણે દીકરા અને પત્નીના આવવા-જવાના માત્ર અડધા કલાકમાં ઘરમાં ચોરી થઈ છે. એટલે ચોરટાઓ અમારા ઘરના સભ્યોના આવવા-જવા સમય નોંધીને જ આ ચોરીની યોજના બનાવી હોવાની પૂરેપુરી શંકા છે.