ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર.
કોરોનાને પગલે 2021ની સાલમાં મોટાભાગનો સમય સામાન્ય નાગરિક માટે ટ્રેન બંધ રહી હતી.છતાં એ વર્ષમાં રેલવે એક્સિડન્ટમાં સૌથી વધુ મૃત્યુ થયા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
જ્યારે કોરોના પ્રતિબંધક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા ત્યારે મુસાફરોની સંખ્યામાં વધારો થયો હતો અને આ સાથે જ ટ્રેનના એક્સિડન્ટના બનાવમાં પણ વધારો થયો હતો, જેમાં 2021ના પૂરા વર્ષમાં 1,300 રેલવે પ્રવાસીઓના મોત થયા છે. 2020 ની સરખામણીમાં લગભગ 300 એક્સિડન્ટ વધ્યા હતા. આમાંના મોટાભાગના મૃત્યુ રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે થયા છે.
નવી મુંબઈમાં ટ્રાન્સ હાર્બર અને હાર્બર રેલવેની આસપાસ સુરક્ષા દિવાલ છે. જો કે, હજુ પણ પ્રવાસીઓ માટે રેલ્વે લાઇન ક્રોસ કરવા માટે શોર્ટકટ રસ્તા અપનાવે છે. સ્ટેશનના એન્ટરન્સનો ઉપયોગ કર્યા વિના સીધા પ્લેટફોર્મ પર અથવા ટ્રેકની એક બાજુથી બીજી તરફ આવવા-જવામાં જીવ જોખમમાં મૂકતા હોય છે પ્રવાસીઓ દિવસ-રાત પાટા ઓળંગતા હોવાથી ટ્રેનની અડફેટમાં આવવાને કારણે મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો છે.
સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય લાઈન પર આત્મહત્યાના બનાવોમાં પણ વધારો થયો છે. 2020માં 27 લોકોએ આત્મહત્યા કરી હતી. તો 2021માં 54 લોકોએ આત્મહત્યા કરી હતી.
રેલ્વે પોલીસ કમિશનરની ઓફિસના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી અને ડિસેમ્બર 2021 વચ્ચે સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે ઉપનગરીય સ્ટેશનની સીમાઓ પર કુલ 1,752 મૃત્યુ નોંધાયા હતા. જેમાં રેલ્વેના પાટા ઓળંગવાથી અને લોકલ અને એક્સપ્રેસ ટ્રેનોમાંથી પડી જવાથી થયેલા મૃત્યુનો સમાવેશ થાય છે. અન્ય કેસમાં ચાલુ લોકલ ટ્રેનમાંથી પાટા પાસે રહેલા થાંભલાથી ભટકાવવાથી, ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં પડવાથી, ઓવરહેડ વાયરનો શોક લાગવાથી, આત્મહત્યા, કુદરતી મૃત્યુ વગેરેનો સમાવેશ થાય છે.