ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
બધી જ લોકલ ટ્રેનોને એસી ટ્રેનમાં ફેરવવાના કાર્યને એક ડગલું આગળ વધારતાં મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC)એ આ માટે નવેસરથી ટેન્ડર મંગાવ્યા છે. રેલ મંત્રાલયની મંજૂરી પણ હોવાથી આ યોજના અમલમાં મુકાય એવી શક્યતા વધુ છે. સલાહકાર માટેની બિડ્સ આવતા વર્ષના જાન્યુઆરી મહિનામાં ખુલશે.
દેશમાં મહામારી ફેલાઈ એ પહેલાં MRVCએ આ કામ માટે સલાહકારોની બિડ્સ મગાવી હતી, પરંતુ કોવિડની મહામારી અને ત્યાર બાદ લોકડાઉનને કારણે કામ અટકી ગયું હતું
એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે AC લોકલ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઑક્ટોબર ૨૦૨૧માં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈના અધિકારીઓ સાથે અઢી કલાકની મેરેથોન મિટિંગ પછી સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો કે મુંબઈને હવે ફુલ AC લોકલ ટ્રેન મળશે જેના ભાડાનું માળખું મુંબઈ મેટ્રો (એમએમઆરડીએ)નાં ધોરણોનુસાર હશે તથા લોકલ ટ્રેનની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય મેટ્રો ટ્રેન જેવી હશે.
એમઆરવીસી વર્ક ઓર્ડરમાં જણાવાયું હતું કે પ્રવાસીઓને ઓછામાં ઓછી અગવડ પડે એ રીતે મુંબઈ લોકલ ટ્રેનને AC ટ્રેનમાં કઈ રીતે ફેરવી શકાય એ માટે સલાહકારની નિમણૂક કરવા માંગે છે. અભ્યાસનો મુખ્ય હેતુ પ્રવાસીઓને ઓછી અગવડ સાથે પરંપરાગત લોકલ ટ્રેનને એસી લોકલ ટ્રેનમાં કાર્યક્ષમ રીતે ફેરવવા માટેનો તૈયાર કરવાનો છે. એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે સમસ્યાની શરૂઆત એસી ટ્રેનના ભાડાથી થાય છે. ત્યારબાદ રેગ્યુલર ટ્રેનોને એસી ટ્રેનમાં બદલવાની સમસ્યા છે. કેમ કે ટ્રેનની પેટનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર તેમજ હાલના ટ્રેનનો ટાઈમટેબલમાં થોડો પણ ફેરફાર મુંબઈના પ્રવાસીઓ માટે સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. જે મોટા પાયે વિરોધ અને અદાલતના દાવામાં પરિણમે છે. તેથી વર્તમાન લોકલ સેવાઓમાં ફેરફાર કર્યા વિના એસી ટ્રેન શરૂ કરવા માટે ખાસ યોજના બનાવવી પડશે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કન્સલે વધારાની ૮ ઍરકન્ડિશન્ડ લોકલ શરૂ કરી આ દિશામાં પગ માંડતાં મીડિયાને કહ્યું હતું કે ભાડાના અંતરમાં સહેજ ફેરફાર કરીને સેકન્ડ અને ફર્સ્ટ ક્લાસ પાસ કે ટિકિટ ધરાવતા પ્રવાસીઓને પ્રવાસની મંજૂરી આપવા વિશે વિચારી રહ્યા છીએ. મધ્ય રેલવેએ આ વિશે કોઈ નિર્ણય લીધો નથી.
ભારતીય શેરબજાર કડકભૂસ: આજે સતત બીજા દિવસે સેન્સેક્સ ધરાશાયી, આટલા પોઈન્ટના ઘટાડા સાથે 58 હજારથી નીચે