ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
“ મહારેરા“ હેઠળ રજિસ્ટર્ડ થયેલા પણ સમયસર કામ ચાલૂ નહીં કરવાને કારણે બંધ કરી દેવામાં આવેલા હાઉસિંગ પ્રોજેક્ટનું કામ ફરી ચાલુ કરવાની મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા “ લેપ્સ પ્રોજેક્ટ“ની યાદી મહારેરાએ તૈયાર કરી છે, જેમાં એક પણ ઘર નહીં વેચાયેલા પ્રોજેક્ટને ફરી મુદત વધારી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા લગભગ 149 પ્રોજેક્ટ છે, જેના કામ બંધ પડી ગયા છે અને તેને કારણે તેના એક પણ ઘર વેચાયા નથી.
રેરા કાયદા મુજબ મહારેરામાં રજિસ્ટર્ડ થયેલા પ્રોજેક્ટના કામ નક્કી કરેલા સમયમાં પૂરા કરવા ફરજિયાત છે. કામ પૂરા નહીં થયા તો મહારેરા પાસે અરજી કરીને મુદત વધારી શકાય છે. મુદત વધારી નહી લેનારા પ્રોજેક્ટ લેપ્સ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવામાં આવે છે. આવા પ્રોજેક્ટના ઘર વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પ્રતિબંધ બાદ પણ ઘર વેચ્યા તો રેરા કાયદા મુજબ તેની સામે પગલા લેવામાં આવે છે.
મહારેરાએ 2017થી 2021 સુધીના લેપ્સ પ્રોજેક્ટની યાદી તૈયાર કરી છે. જેમાં રાજયભરના 3,371 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ યાદીમાં રહેલા પ્રોજેક્ટને મુદત વધારી આપવાની જોગવાઈ રેરા કાયદામાં છે. પરંતુ તે માટે ડેવલપરે 51 ટકા ગ્રાહકોની મંજૂરી લેવાની આવશ્યક હોય છે. તે હોય તો જ મુદત વધારીને મળે છે. જે ડેવલપર આ મંજૂરી મેળવી શકતો નથી, તેના પ્રોજેક્ટ રખડી જાય છે અને ગ્રાહકોને પણ નુકસાન થાય છે. તેથી ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને મહારેરા 51 ટકા સંમત્તિ નહીં ધરાવતા પ્રોજેક્ટમાં સુનાવણી લઈને એવા પ્રોજેક્ટ ફરી ચાલુ કરવા માટે અમુક શરત, નિયમો રાખીને મુદત વધારી આપવામાં આવવાની છે.