ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 માર્ચ 2021
કોરોના ના વધતા જતા કેસને કારણે સરકારે હવે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જે હેઠળ મીરા રોડ- ભાયંદર મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે જે વિસ્તાર હોટસ્પોટ તરીકે તારવવામાં આવ્યા છે તે તમામ વિસ્તારમાં હવે ૧૩ માર્ચથી શરૂ કરીને 31 માર્ચે રાત્રે બાર વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
આનો અર્થ એ થાય છે કે હોટસ્પોટ વિસ્તારની અંદર સામાન્ય માણસને બહાર નીકળવાની અથવા બહારથી આવનાર લોકોને અંદર જવાની કોઈ પરવાનગી નહીં હોય. આ ઉપરાંત જે બિલ્ડીંગમાં પાંચથી વધુ કોરોના ના કેસ મળી આવ્યા છે તે તમામ ઈમારત અને તેની સાથેની સંલગ્ન સડકને બંધ કરવામાં આવી છે. વધુમાં જે વિસ્તાર હોટસ્પોટ છે ત્યાં અત્યાવશ્યક સુવિધાઓને જવાની પરવાનગી રહેશે. પરંતુ અન્ય સામાન્ય ગતિવિધિઓ બંધ રહેશે. આ ઉપરાંત હોટસ્પોટ વિસ્તારમાં દુકાનો તેમજ વ્યવસાયિક એકમો પણ બંધ રહેશે.
આ વિસ્તારો કયા છે? તે સંદર્ભે ની માહિતી મીરા-ભાયંદર મહાપાલિકા દ્વારા સ્થાનિક સ્તર પર જાહેર કરવામાં આવશે. આ વિસ્તારો કેસીસ વધવાની સાથે વધશે તેમજ કેસીસ ઘટવાની સાથે સૂચિમાંથી બહાર નીકળશે.
એટલે કે કુલ મળીને જ્યાં કોરોના ના કેસ મળશે ત્યાં હોટસ્પોટ વિસ્તાર લાગુ કરવામાં આવશે અને જ્યાં કેસ ઘટશે તેમ જ પરિસ્થિતિ કાબૂમાં આવશે તે વિસ્તારમાં પરિસ્થિતિ હળવી કરાશે.
