ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
પાળેલા પ્રાણીઓ માટે લોકોનો પ્રેમ અલગ જ હોય છે. અમુક કેસમા લોકો પોતાના સંતાનની માફક પોતાના પાળેલા પ્રાણીઓને ઉછેરે છે અને તેમની માટે કોઈ પણ હદ સુધી જતા અચકાતા નથી. મલાડના મઢમાં આવું જ કંઈ બન્યું હતુ. મઢમાં રહેતી મોનાની પાળેલી બિલાડી “બિસ્કિટ” ખોવાઈ ગઈ હતી. બિલાડીને શોધી આપનારા માટે તેણે 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. છેવટે 13 દિવસ બાદ તેને તેની “બિસ્કિટ” મળી જતા તેનો આનંદનો પાર રહ્યો નહોતો.
મઢમાં રહેતી મોના વાસુની “બિસ્કિટ” નામની બિલાડી 29 નવેમ્બરના ખોવાઈ ગઈ હતી. મોનાના જણાવ્યા મુજબ 29 નવેમ્બરના સવારના તે બહાર થોડા સમય માટે ગઈ હતી પણ પાછી જ ફરી નહોતી. તેની બિલ્ડિંગ સહિત આજુબાજુના તમામ વિસ્તારમાં તેને શોધી હતી. પંરતુ તે કોઈ જગ્યાએ મળી નહોતી. છેવટે તેને શોધી આપનારા માટે 50,000 રૂપિયાનું ઈનામ તેણે જાહેર કર્યું હતું. તેણે પોતાના ઘરની આજુબાજુ આવેલી તમામ બિલ્ડિંગોમાં તેની બિલાડીના ખોવાઈ ગયા હોવાના પોસ્ટર પણ લગાડયા હતા. છેવટે તેની મહેનત રંગ લાવી હતી.
મુંબઈમાં ઓમીક્રોન વાયરસના વધુ ત્રણ દર્દીઓ મળી આવ્યા. કુલ સંખ્યા પાંચ થઈ. મહાનગરપાલિકા ચિંતીત.
ઘણા વર્ષથી “બિસ્કિટ” મોનાની સાથે જ હતી, તેથી તેના માટે તે પરિવારના સભ્ય સમાન જ હોવાનું જણાવતા મોનાએ કહ્યું હતું મારી માટે તે મારી દુનિયા જ હતી. તેના વગર એક એક દિવસ બહુ મુશ્કેલથી કાઢયા હતા. કોઈ દિવસ “બિસ્કિટ” આવું કર્યું નથી. ઘરની બહાર જાય તો તુરંત ઘરમાં આવી જતી હતી. પરંતુ કે 29 નવેમ્બરના સવારથી તે ગાયબ હતી. તે દિવસથી તેને આજુબાજુની બિલ્ડિંગમાં શોધવા જતા હતા. તે છેક આજે મારી બિલ્ડિગંથી ત્રણ-ચાર બિલ્ડિગ છોડીને આવેલી એક બિલ્ડિંગના 15 માળા પરથી તે મળી આવી છે. આ બિલ્ડિગમાં હું બિસ્કિટને શોધવા ગઈ હતી. પરંતુ બિલ્ડિગમાં મને જવા મળી નહોતી. સોસાયટીએ મંજૂરી આપી નહોતી. જોકે આજે સવારના મને બિલ્ડિંગમાંથી ફોન આવ્યો હતો કે તેમની બિલાડી 15માં માળા પર છે. તેથી તરત ત્યાં પહોંચીને હું બિસ્કિટને લઈ આવી હતી.
મોનાએ બિલાડીને શોધી આપનારા માટે 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. બિલાડી મળી ગઈ છે ત્યારે તેનો પત્તો આપનારાને ઈનામ આપશે કે નહી તે બાબતે જોકે મોનાએ કોઈ ફોડ પાડયો નહોતો.