ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર
મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. ત્યારે મુંબઈમાં છેલ્લાં ૩ દિવસ સુધી કોરોનાએ 20 હજારના આંકડાને સ્પર્શ્યા બાદ આજે થોડી રાહત દાખવી છે. છેલ્લા 24 કલાકમાં 19,000થી વધુ દર્દીઓ નોંધાયા છે.
મુંબઈ મહાનગર પાલિકાએ જાહેર કરેલા આંકડા અનુસાર શહેરમાં ગઈ કાલે કોરોનાની 68,249 ટેસ્ટ કરાઈ હતી જેમાંથી 19,474 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. એટલે કે દિવસે-દિવસે વધતા જતા કોરોના કેસમાં થોડો ઘટાડો થયો છે. ગઈ કાલના 19,474 પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 9,14,572 પર પહોંચી ગયો છે.
મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે 7 લોકોનાં મોત નિપજ્યા છે. આ દરમિયાન 8,063 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કોરાનાથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 7,78,119 પર પહોંચી ગઈ છે. હવે સાજા દર્દીઓનો દર વધીને 85 ટકા થઈ ગયો છે. હાલમાં મુંબઈમાં 1 લાખ 17 હજાર 437 એક્ટિવ કેસ છે.
અહીં નોંધનીય એ કે આજે મળેલાં 82 ટકા લોકો અસિમ્પ્ટમેટિક નોંધાયા છે. શહેરમાં કુલ ઉપલબ્ધ બેડસમાંથી 21.3 ટકા બેડસ પર અત્યારે કોવિડગ્રસ્તો સારવાર લઈ રહ્યાં છે.
