ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર
કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોન દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે. દુનિયાભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં પણ ઓમીક્રોનના કારણે કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે ત્યારે નિષ્ણાતોના કહેવા મુજબ ઓમીક્રોનએ કોરોનાનો કંઈ છેલ્લો વેરિએન્ટ નથી. ભવિષ્યમાં નવો વેરિયન્ટ આવી શકે છે અને તે આનાથી પણ વધુ જોખમી હોઈ શકે છે.
એક ઈંગ્લિશ અખબારમાં બોસ્ટન યુનિવર્સિટીના એપેડમિક એક્સપર્ટ લિયોનાર્ડો માર્ટિનેસને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે, કોરોનાનું સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે તેની અસર ઓમીક્રોન પર પણ થશે. આગામી સમયમાં તેમાં વધારે મ્યુટેશન થશે. વાયરસ પોતાની અંદર ઘણા બદલાવ કરશે અને તેનાથી નવો વેરિએન્ટ બનવાની શક્યતા છે. જે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. રિસર્ચમાં પણ સાબિત થયુ છે કે, અગાઉના ડેલ્ટા વેરિએન્ટ કરતા ઓમીક્રોન ચાર ગણો વધારે સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે.
લિયોનાર્ડોના અહેવાલ મુજબ ઓમીક્રોન થી એવા લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે જેમણે રસીના બે ડોઝ લીધા છે.જો સંક્રમણ સતત ફેલાતું રહ્યું તો નવા વેરિએન્ટ પેદા થશે.
ઓમીક્રોન વાયરસને શોધી કાઢનારા ડો. એજલિક કોએત્ઝીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે જો ડેલ્ટા અને ઓમીક્રોન પોતાનુ સ્વરૂપ જાતે બદલશે તો સ્થિતિ વધુ ભયાનક બની શકે છે. બીજી ચિંતાની વાત એ છે કે, આ મહામારીમાં દર્દીઓને એન્ટી બાયોટિકસ અપાઈ રહી છે. જેનાથી ભવિષ્યમાં બેક્ટેરિયા પર તેની કોઈ અસર ન થવાનું જોખમ પણ રહે છે.