News Continuous Bureau | Mumbai
મુશળધાર વરસાદ(Heavy rain)થી મહારાષ્ટ્ર(Maharashtra)માં ઠેર ઠેર પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અનેક લોકોના અત્યાર સુધી ભોગ લેવાઈ ચૂક્યા છે. ત્યારે મુંબઇ(Mumbai) સહિત સમગ્ર મહારાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે. હવામાન ખાતાએ (IMD) એવો સંકેત આપ્યો છે કે ૧૬,જુલાઇથી મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પોરો ખાશે.
હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે આગામી ૧૬,જુલાઇથી ઉત્તર કોંકણ (મુંબઇ,થાણે, પાલઘર, રાયગઢ), મધ્ય મહારાષ્ટ્ર(નાશિક, નંદુરબાર, ધુળે, જળગાંવ), મરાઠવાડા (લાતુર, જાલના, પરભણી, હિંગોળી, ઉસ્માનાબાદ), વિદર્ભ (અકોલા, અમરાવતી, નાગપુર, વર્ધા, ચંદ્રપુર)માં વરસાદી તીવ્રતા ઘટી જશે અને ઉઘાડ પણ નીકળશે.
આ સમાચાર પણ વાંચો : મુશળધાર વરસાદમાં મુંબઈ તરફ આવતો આ હાઈવે ઠપ્પ- હાઈવે પર પૂરના પાણી ફરી વળ્યા-જાણો વિગત
જોકે ૧૫થી ૧૮,જુલાઇ દરમિયાન દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં અને ૧૫ થી૧૭, જુલાઇ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં ભારેથી અતિ ભારે વર્ષા થાય તેવાં પરિબળોને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રનાં હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં આજ દિવસ સુધીમાં ૨૩૨૫.૪ મિલિમીટર(૯૩ ઇંચ) જ્યારે માથેરાનમાં ૨૨૨૦.૬ મિલિમીટર(૮૮.૮૨ ઇંચ) જેટલો શ્રીકાર વરસાદ નોંધાયો છે.
કોલાબામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૬૨.૬ મિ.મિ. જ્યારે સાંતાક્રૂઝમાં ૯૫.૨ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. કોલાબામાં આજ દિવસ સુધીમાં ૧૧૪૬.૨ મિ.મિ.(૪૫.૮૪ ઇંચ), જ્યારે સાંતાક્રૂઝમાં ૧૩૧૭.૬ મિ.મિ.(૫૨.૭૦ ઇંચ) વરસાદ નોંધાયો છે.