ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
મુંબઈની વરલી પોલીસે બે રશિયન નાગરિકોની ધરપકડ કરી છે. આ બંને રશિયન નાગરિકોનો ગુનો એ છે કે તેઓ સ્ટંટ કરવા માટે બાંદરા-વરલી સી લીંક પર ચડી ગયા હતા.
વાત એમ છે કે બુધવારે બે રશિયન નાગરિકો જે રશિયાના સર્કસમાં કામ કરે છે તેઓ ટેક્સીથી બાંદરા-વરલી સી લીંક પહોંચ્યા. ત્યારબાદ તેઓ ત્યાં ઉતરી ગયા અને સ્ટીલના મોટા કેબલ પર ચડવા માંડ્યા. એક વ્યક્તિ કેબલ પર ચઢી રહ્યો હતો જ્યારે બીજો વ્યક્તિ તેના વિડીયો અને ફોટોગ્રાફ પાડી રહ્યો હતો.
થોડા સમયમાં આ સંદર્ભે ની જાણકારી પોલીસને મળી અને પોલીસની ટુકડી ઘટના સ્થળ પર દોડી આવી. શરૂઆતમાં પોલીસને લાગ્યું કે આ કોઈ આતંકવાદી કૃત્ય છે. ત્યાર બાદ ખબર પડી કે આ બંને નાગરિકો રશિયાના છે અને તેઓ સર્કસમાં કામ કરે છે તેમજ આ પ્રકારની સ્ટંટની એક્ટિવિટી કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરતા રહે છે.
પોલીસે બંનેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.