ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર, 2021
બુધવાર
મુંબઈમાં તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ શરૂ થઈ હતી. આ હોટલને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારબાદ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) હેઠળ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પ્રથમ પોડ હોટેલ ખોલવાનું નક્કી થયું હતું.
ભારતીય રેલવેની આ પ્રથમ પોડ હોટેલનું આજે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ઉદ્ઘાટન થશે. લાંબા અંતરની ટ્રેનની સફર પછી આરામ કરવા ઈચ્છતા પ્રવાસીઓ પોડ હોટેલમાં ચેક-ઈન કરી શકશે.
મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન બિલ્ડિંગના પ્રથમ માળે બનાવવામાં આવેલી આ હોટલમાં ક્લાસિક પોડ્સ, પ્રાઈવેટ પોડ્સ અને મહિલાઓ માટે અલગ પોડ્સ છે. સાથે જ કેપ્સ્યૂલ જેવા 48 રૂમ છે. તેમાં દિવ્યાંગો માટે અલગ બેડ પણ છે. પોડ હોટેલનું ભાડું 12 કલાક માટે તમામ લોકો માટે રૂ. 999 અને 24 કલાક માટે રૂ. 1,999 હશે.
આ ઉપરાંત અહીં ખાનગી પોડ ઉપલબ્ધ થશે. ખાનગી પોડનું 12 કલાક માટેનું ભાડું 1,249 રૂપિયા અને 24 કલાક માટે 2,499 રૂપિયા ભાડું રહેશે. હોટેલના પબ્લિક રૂમમાં ફ્રી વાઈ-ફાઈ, લગેજ અને ટોયલેટરીની સુવિધા છે.
પ્રવાસીઓને ટીવી, ચાર્જિંગ પોઈન્ટ અને પોડ્સની અત્યાધુનિક સુવિધાઓ મળશે. રેલવે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે પોડ હોટેલનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે.
પોડ હોટલ વિશે
પોડ હોટલની કલ્પના જાપાનની છે. જાપાનીઝ-શૈલીની પોડ હોટેલમાં ઘણા નાના કેપ્સ્યુલ જેવા અથવા સિંગલ-બેડ રહે તેવા નાના રૂમ હોય છે. જ્યાં પ્રવાસીઓ રાતવાસો કરી શકે છે.
વિશ્વની પ્રથમ કેપ્સ્યુલ હોટેલ વર્ષ 1979માં શરૂ થઈ હતી.