ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કોરોના અને ઓમીક્રોનના વધતા જોખમ સામે મહારાષ્ટ્ર સરકારે ફરી એક વખત નિયંત્રણો લાદી દીધા છે. જોકે હજી સુધી લોકલ ટ્રેનમાં પ્રવાસ પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યા નથી. છતાં છેલ્લા થોડા દિવસમાં લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યામાં લાક્ષણિક ઘટાડો જોવા મળ્યો છે.
મુંબઈમાં 10 દિવસ પહેલા સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં લગભગ 41 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા, તેમાં પાંચ જાન્યુઆરીથી લાક્ષણિક ઘટાડો જોવા મળી રહ્યો છે. એક અખબારના અહેવાલ મુજબ સેન્ટ્રલ અને વેસ્ટર્ન એમ બંને લાઈનમાં હાલ પ્રવાસીઓની સંખ્યા 30 લાખ પર આવી ગઈ છે. છેલ્લા અઠવાડિયામાં લગભગ 10 લાખ પ્રવાસીઓ ઘટી ગયા છે.
આખરે કદર થઈ! મુંબઈને સ્વચ્છ રાખનારા સફાઈ કર્મચારીઓના પરિવારનું કરવામાં આવશે સન્માન; જાણો વિગત
કોરોના અને ઓમીક્રોનના આતંક વચ્ચે રેલવેમાં પ્રવાસ કરનારાઓમાં કોરોનાનો ચેપ લાગવાનું પ્રમાણ વધારે છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલમા કોરોના અગાઉ લગભગ 80 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. જોકે લોકડાઉન અને વેક્સિનના બંને ડોઝ લીધા હોવાની શરતને પગલે હાલ લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા એકદમ ઘટી ગઈ છે. તેમાં પણ કોરોનાએ ફરી ઉથલો મારતા સરકારે ખાનગી ઓફિસને ફરી એક વખત વર્ક ફ્રોમ હોમને અનુસરવાની સલાહ આપી છે. તેથી પણ લોકલમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા ઘટી ગઈ છે.