ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
લોકલ ટ્રેન તેમ જ બહાર ગામની મેલ એક્સપ્રેસ ટ્રેનમાં સંકટના સમયે ગાડી ઉભી રાખવાની ચેન ખેંચવાનું પ્રમાણ વધી ગયું છે. વગર કારણે ટ્રેનની ચેન ખેંચનારાઓને 1,000 રૂપિયાનો દંડ અથવા એક વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. ટ્રેનમાં આ મૂજબની સૂચના ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવેલી છે. છતાં છેલ્લા 11 મહિનામા પશ્ચિમ રેલવેમાં ચેન ખેંચવાના 3,238 ગુના દાખલ થયા હતા. તો 1,361 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ટ્રેનની કારણ વગર સાંકળ ખેંચનારા લોકોને કારણે ટ્રેનનું આખું ટાઈમ ટેબલ ખોરવાઈ જતું હોય છે. તેનો પ્રવાસીઓને તો ત્રાસ થાય છે. પરંતુ રેલવેને પણ નુકસાન થાય છે. આવા લોકો સામે રેલવેના નિયમ 144 હેઠળ કાર્યવાહી કરે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવે છે. કોર્ટમાં તેમને દંડાત્મક કાર્યવાહીનો અથવા જેલની સજા અથવા તો કોર્ટ બંને સજા ફટકારી શકે છે.
જાન્યુઆરીથી 30 નવેમ્બર 2021 સુધીના 11 મહિનામાં પશ્ચિમ રેલવેમાં કારણ વગર ચેન ખેંચવાના 3,238 ગુના નોંધાયા હતા, તેમાંથી 1,361 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે એટલે કે 2020માં આ જ આંકડો 1,802નો હતો. તો 692 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે કોવિડ મહામારી ચાલતી હતી એટલે આ આંકડો ઓછો હતો.