ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ સહિત પુણેમાં આજથી પહેલાથી સાતમા ધોરણની સ્કૂલો ફરી ખુલી ગઈ છે. જોકે પહેલા દિવસે સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી જણાઈ હતી. પાલિકાના શિક્ષણ ખાતા સહિત ખાનગી સ્કૂલના દાવા મુજબ પહેલો દિવસ હોવાથી સંખ્યા ઓછી રહી હતી. જોકે ધીમે ધીમે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા થશે.
કોરોના મહામારીને કારણે લગભગ 19 મહિના સુધી સ્કૂલો બંધ રહી હતી. આઠમાથી 12 ધોરણની સ્કૂલો અગાઉ જ ખુલી ગઈ હતી. જોકે પહેલાથી સાતમાની સ્કૂલો 15ની ડિસેમ્બરથી ખુલવાની શિક્ષણ ખાતાએ જાહેરાત કરી હતી. તે મુજબ આજથી સ્કૂલનો ઘંટો વાગી ગયો હતો. પહેલો દિવસ હોવાથી કદાચ હાજરી ઓછી હોવાનું માનવામાં આવે છે.
પાલિકાના શિક્ષણ ખાતાના જણાવ્યા મુજબ મુંબઈ મહાનગરપાલિકા અખત્યાર હેઠળ આવતી પહેલાથી સાતમા ધોરણની કુલ સંખ્યા 2034 છે. જેમાં આજથી ફક્ત 1902 સ્કૂલો જ ફરી શરૂ થઈ છે. પહેલાથી સાતમા ધોરણમાં 5,91,882 વિદ્યાર્થી છે. તેમાંથી મંગળવાર સુધી ફક્ત 2,00,639 એટલે કે ફક્ત 34 ટકા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સ્કૂલમાં હાજર રહેવા માટે સંમતિ પત્ર મળ્યા હતા.
વૃદ્ધ માતા-પિતાને ઘર માટે ત્રાસ આપનારાને બોમ્બે હાઈ કોર્ટે શીખવાડયો સબકઃ આટલા લાખનો ફટકાર્યો દંડ; જાણો વિગત
પાલિકાએ બહાર પાડેલી કોવિડને લગતી નિયમાવલી મુજબ સ્કૂલ ચાલુ કરવા પહેલા સ્કૂલની બિલ્ડિંગમાં 100 ટકા સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું. સ્કૂલમા બાળકોને ફરજિયાત રીતે માસ્ક પહેરવાનો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. તેમ જ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે માસ્ક, થર્મલ ગન, પ્લસ ઓક્સિમીટર વગેરે રાખવાનું ફરજિયાત રહેશે.