ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈ મહાનગરપાલિકાએ રાહતનો શ્વાસ લીધો છે. કરણ જોહરની પાર્ટીમાં ગયા પછી કરીના કપૂર અને અમૃતા અરોરા કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેથી પાલિકાએ તાત્કાલિક ધોરણે તેમની બિલ્ડિંગ અને તેમના નજીકના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કર્યા હતા. લગભગ 110 લોકોના પાલિકાએ કોરોના ટેસ્ટ કર્યા હતા. તે તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકાએ રાહત થઈ છે.
કરીના કપૂર, અમૃતા અરોરા સહિત તેમના સગા સંબંધી એમ કુલ છ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેથી પાલિકાએ આ અભિનેત્રીઓ રહે છે તે બિલ્ડિંગને સીલ કરી નાખી હતી. બિલ્ડિંગના રહેવાસી, નોકરો અને તેમના નજીકના સંપર્કમાં આવેલા ૧૧૦ લોકોની કોવિડ ટેસ્ટ કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ નેગેટિવ આવતા પાલિકાને ટેન્શન ઓછું થઈ ગયું છે. જેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તેમાં સોહેલ ખાન, સંજય કપૂર અને તેના બંને બાળકો, મલાઈકા અરારો, આલિયા ભટ્ટ અને કરણ જોહર વગેરેનો સમાવેશ થાય છે.
બોલીવુડમાં થઈ રહેલી પાર્ટીઓને કારણે કોરોના ફેલાવાનું જોખમ વધી ગયું છે. કરણ જોહરે તેના બાંદરાના ઘરમાં ગયા અઠવાડિયામાં એક પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં હાજરી પુરાવનારા અભિનેતા સોહેલ ખાનની પત્ની સીમા ખાન, તેનો દીકરો અને તેની બહેન કોવિડ પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા અન્ય અભિનેતા અને અભિનેત્રીઓએ પોતાની કોવિડની ટેસ્ટ કરાવી હતી, જેમાં કરીના કપૂર, અમૃતા અરોરા, ફિલ્મ અભિનેતા સંજય કપૂરની પત્ની મહિપ કપૂર, કરિના કપૂરના ઘરે કામ કરનારી મહિલા સહિત સાત જણ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. હાલ આ તમામ લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.