ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર .
દેશમાં ફળોના રાજાનું આગમન થઇ ગયું છે. મીઠી મધુરી કેરીનું નામ સાંભળીને જ દરેકના મોંમાં પાણી આવી જાય. રત્નાગીરી અને કોંકણની હાફુસ કેરીઓ ખુબજ પ્રખ્યાત છે.પરંતુ આવી કેરી માટે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. અન્ય રાજ્યોની કેરીને આ કેરીઓ સાથે ભેળવીને ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે.તેનાથી ના તો ગ્રાહકોને પણ કેરી ઉત્પાદકોને પણ મોટાપાયે નુકશાન થાય છે. તેથીજ આ નુકશાન રોકવા કોંકણના કેરી ઉત્પાદકોએ પોતાના બગીચાની દરેક કેરી ઉપર ક્યુ આર કોડ મુકવાનું નક્કીકર્યું છે. આ ક્યુ આર કોડને તમારા મોબાઈલ પર સ્કેન કરતા જ મોબાઈલ પર કેરી વિશેની તમામ માહિતી દેખાશે. જેમકે કેરી કયા બગીચામાંથી આવી છે, તે બગીચાનું જીઆઇ પ્રમાણપત્ર છે કે નહિ, કેરી મોકલાવનાર ખેડૂતનું નામ , ખેડૂતનો સંપર્ક નંબર, તેની પેકીંગ પદ્ધતિ, તેમજ કેરી પકવવાની રીત, કયા દિવસે પેકીંગ કર્યું હતું તેની તારીખ જેવી વિગતો મોબાઈલ સ્કીન પર દેખાશે.
આનાથી હાફુસના નામ પર થતી ગ્રાહકો સાથેની છેતરપિંડીનો અંત આવશે. મહારાષ્ટ્રમાં પાલઘર, રાયગઢ , રત્નાગીરી, સિંધુદુર્ગ અને થાણે જિલ્લાના ગ્રામીણ વિસ્તારની કેરીઓ હાફુસના નામથી બજારમાં આવે છે.
ઉલ્લેખનીય છે કે,આ વખતે એક લાખ જેટલા ક્યુ આર કોડ બનાવવામાં આવ્યા છે અને તે માટે પ્રાયોગિક ધોરણે દસ ખેડૂતોની પસંદગી કરવામાં આવી છે. જેમના વિષેની સવિસ્તાર માહિતી જી આઈના સોફ્ટવેરમાં ફીડ કરવામાં આવશે.
