ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં ફરી એકવાર કોરોનાએ ગતિ પકડી છે. બુધવાર બાદ ગુરુવારે પણ મુંબઈમાં નવા દર્દીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 20,181 નવા સંક્રમિત કેસ મળ્યા છે. 4 દર્દીનાં મોત નિપજ્યા છે. એક્ટિવ કેસની સંખ્યાં અહીં વધીને 79,260એ પહોંચી છે. મુંબઈમાં આજે 67 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 20,181 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે આજે પોઝિટિવિટી રેટ 29.90 નોંધાયો છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન ચેપનું હોટસ્પોટ બનેલા ધારાવીમાં આજે 107 નવા કેસ નોંધાયા છે. BMCએ કહ્યું કે આ એક દિવસમાં સૌથી વધુ કેસ છે. ધારાવીમાં કુલ કેસ 7,626 પર પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોન પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે ઓમિક્રોનના 79 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 876 પર પહોંચી ગઈ છે. જોકે અત્યાર સુધીમાં 381 લોકો સાજા થયા છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા, મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે, જો મુંબઈમાં 20,000 થી વધુ દર્દીઓ મળી આવશે, તો મુંબઈમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે. તે પછી, હવે જ્યારે મુંબઈમાં 20,000 થી વધુ દર્દીઓ મળી આવ્યા છે, શું લોકડાઉન લાદવામાં આવશે? તેવો સવાલ ઉઠી રહ્યો છે.
