ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧
મંગળવાર
ગુજરાતીઓની સ્વાદિષ્ટ વાનગીઓનો ચટકો તો વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ ઘણી દેશી વાનગીઓ એવી છે જે સમય જતાં વીસરાઈ ગઈ છે. હવે આ વીસરાઈ ગયેલી વાનગીઓ ફરી લોકોના ઘરે-ઘરે યુટ્યુબના માધ્યમે એક ગુજરાતી ગૃહિણી પહોંચાડી રહ્યાં છે. આ વાત છે હિરલ ગામીની, જેમણે પોતાની યુટ્યુબ ચૅનલ ‘સિલ્વર સ્પૂન હિરુ’સ કિચન’ના માધ્યમે ખૂબ નામના મેળવી છે અને આજે તેમની ચૅનલ પર 3.૪ લાખ જેટલા સબસ્ક્રાઇબર છે.
હિરલબહેનને કૂકિંગનો શોખ તો એકદમ નાનપણથી જ હતો. આ શોખને નવી દિશા આપવા વર્ષ ૨૦૧૬માં પરિવારજનોના સૂચન પ્રમાણે યુટ્યુબ પર પોતાની આ ચૅનલ બનાવી હતી. શરૂઆતમાં થોડા સમયની મહેનત બાદ તેમને દર્શકો તરફથી પણ ઉત્તમ પ્રતિસાદ મળવા લાગ્યો અને તેમણે દરરોજ એક વિસરાયેલી દેશી ગુજરાતી વાનગીનો વીડિયો નાખવાની શરૂઆત કરી હતી. એક લાખ સબસ્ક્રાઇબર થયા ત્યારે તેમને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન પણ આપવામાં આવ્યું હતું.
હાલ જામનગર પાસે રિલાયન્સ ટાઉનશિપમાં પોતાના સંયુક્ત કુટુંબ સાથે રહેતાં હિરલ ગામી મીઠાઈ, દેશી વાનગીઓ અને વિવિધ અવનવાં શાક બનાવવામાં નિપુણ છે. પોતાની વાનગીઓ લોકો સુધી પહોંચાડવા ૨૦૧૩માં તેમણે રસોઈની રાણી ફેસબુક પેજ પર પણ વાનગીઓ આપવાની શરૂ કરી અને ૫૦૦થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ આપી,એ પેજના મોસ્ટ ઍક્ટિવ મેમ્બર પણ બની ગયાં હતાં.
એક ખાસ વાત એ કે આટલી મોટી ચૅનલ હોવા છતાં પણ તેઓ આજે પણ પોતાના વીડિયોનું શૂટિંગ ખૂબ જ સામાન્ય રીતે મોબાઇલથી કરે છે. ઘણી વાર તેમનાં સાસુમા પણ વિવિધ જૂની વાનગીઓ દર્શકો સુધી પહોંચાડે છે. તેમના યુટ્યુબ પર ૮૮૦ જેટલા વીડિયો છે. હવે આ ઉપરાંત તેમણે પોતાની વ્લોગ ચૅનલ પણ શરૂ કરી છે, જ્યાં તે પોતાના પરિવાર અને રહેણીકરણી વિશે પણ લોકોને જણાવે છે.
આ સંદર્ભે વાતચીત કરતાં હિરલબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે “આ તમામ સફળતા પાછળ મારા પરિવારનો સતત સપોર્ટ રહ્યો છે.” તેમણે પોતાની આ સફળતાનો જશ પોતાની મહેનત કરતાં પણ વધુ પરિવારના સપોર્ટ અને વડીલોના આશીર્વાદને આપ્યો હતો. તેમના પતિ રાકેશભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “હિરલ ખૂબ જ ધગશ સાથે પોતાનાં બધાં જ કાર્યો કરે છે અને બધી જ જવાબદારીઓને પૂરી કરે છે.”
જાણો દહિસરની ગુજરાતી શાળાનો સુવર્ણ ઇતિહાસ; આવા કઠિન સંજોગોમાં શરૂ થઈ હતી શાળા
ઉલ્લેખનીય છે કે આ પરિવારમાં એક સાથે ચાર પેઢી એક જ ઘરમાં રહે છે જે ભાગ્યે જ જોવા મળે છે.
યુટ્યુબ ચેનલની લીંક – https://www.youtube.com/channel/UCm5GrI3AooPUECk7Vy_DFJw