ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જૂન, ૨૦૨૧
સોમવાર
ગુજરાતી ભાષામાં કહેવત છે કે બાર ગામે બોલી બદલાય, પરંતુ વિવિધ બોલીમાં ઉચ્ચારણ બદલાતાં ઘણીવાર અર્થનો અનર્થ થઈ જતો હોય છે. એવામાં ભાંડુપમાં રહેતા એક ભાઈએ ઉચ્ચારણશુદ્ધિ માટે કાર્ય કરવાની શરૂઆત કરી છે. આ વાત છે દિલીપ દોશીની, જેમણે ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવા માટે ‘અસ્મિતા ગુજરાતી’ નામની સંસ્થા શરૂ કરી છે.
અસ્મિતા ગુજરાતીનો મૂળ હેતુ માતૃભાષા ગુજરાતીનું શુદ્ધ ઉચ્ચારણ લોકોને શીખવવાનો છે. અત્યાર સુધીમાં તેમના ૨૦થી વધુ સેમિનાર અને વેબિનાર વિવિધ મુંબઈની શાળા/કૉલેજોમાં યોજાઈ ચૂક્યા છે. ઉપરાંત ગુજરાત અને મદુરાઈમાં પણ ઉચ્ચારણશુદ્ધિના સેમિનાર તેમના દ્વારા નિ:શુલ્ક કરવામાં આવ્યા છે. અસ્મિતા ગુજરાતી દ્વારા આ લૉકડાઉનમાં ટૂંકી વાર્તા, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે.
દિલીપભાઈએ ૧૯૬૦ના દાયકામાં ચેન્નાઈની ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ પોતાનો ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય શરૂ કર્યો હતો. નિવૃત્તિ બાદ તેઓ ૧૨ વર્ષ પહેલાં તેઓ મુંબઈ સ્થળાંતરિત થયા હતા. ગુજરાતી ભાષાના થતા અશુદ્ધ ઉચ્ચારણને જોઈને તેમણે જાતે જ આ દિશામાં કામ કરવાનું નક્કી કર્યું હતું.
આ સંદર્ભે વાત કરતાં દિલીપભાઈએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “મને લોકોનો ખૂબ જ સાથ-સહકાર મળ્યો છે, પરંતુ ઉચ્ચારણશુદ્ધિ બાબતે લોકોમાં ઉત્સાહ હજી ઓછો જોવા મળે છે.” તેમના મતે બાળકોને નાનપણથી જ શુદ્ધ ઉચ્ચારણ શીખવવાં જોઈએ, પરંતુ તે શિક્ષકોને પણ છેક એમ.એડ. લેવલ પર શીખવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ સિંગિંગ પણ શીખવે છે અને તે દરમિયાન ગાયકના શુદ્ધ ઉચ્ચારણ ઉપર પણ ભાર મૂકે છે. આજે જ્યાં લોકો જણાતાં-અજાણતાં શબ્દોનું ઉચ્ચારણ ખોટી રીતે કરે છે એવામાં આ વડીલની કામગીરી સરાહનીય છે.