ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
કોરોનાના કપરા કાળ દરમિયાન પણ વિદ્યાર્થિનીઓની સંખ્યા વધારનાર શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળામાં રવિવારે ૨૩ મેના રોજ ૪૫૦ અનાજની કિટનું વિતરણ કરાયું હતું. આ કિટ જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને આપવામાં આવી હતી, જેથી વાલીઓને સીધી સહાય મળે.
આ મદદ ‘જૈન ગેમ્સ ગ્રુપ,લન્ડન’ તરફથી હાલ લંડનમાં સ્થિત દાતા શ્રીમતી દક્ષાબહેન દિલીપભાઈ શાહ તરફથી કરવામાં આવી હતી. ઉપરાંત ‘વર્ધમાન સંસ્કારધામ’, ‘પ્રિયમિત્ર ફાઉન્ડેશન’ અને ‘અડોર ચૅરિટેબલ ટ્રસ્ટ’ના ટ્રસ્ટીઓની સહાયથી વિદ્યાર્થિનીઓને સેનેટાઇઝરની બોટલ આપવામાં આવી હતી. ૨૩મે એટલે કે જૈન શાસન સ્થાપના દિન નિમિત્તે આ સહાય કરવામાં આવી હતી.
જુઓ જેઠાલાલનો નવો લુક… તમે ઓળખી પણ શકશો આ જેઠાલાલને?
આ વિશે ન્યુઝ કન્ટિન્યુઝ સાથે વાત કરતાં શાળાનાં આચાર્યા નંદાબહેને જણાવ્યું કે “બીજા લૉકડાઉનને કારણે અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે. એવામાં આ મદદ મળતાં હું દાતાઓ, સંચાલકો અને શિક્ષકોનો પણ આભાર વ્યક્ત કરું છું.” ઉલ્લેખનીય છે કે આ શાળામાં આજે પણ કુલ ૯૩૦ જેટલી વિદ્યાર્થિનીઓ માતૃભાષામાં નિઃશુલ્ક અભ્યાસ મેળવી રહી છે અને દરેક સમયે આ શાળા વિદ્યાર્થિનીઓની પડખે ઊભી છે. વિવિધ પ્રવૃત્તિઓમાં પણ આ ગુજરાતી શાળા અગ્રેસર છે.