News Continuous Bureau | Mumbai
Akademi Award Function : મહારાષ્ટ્ર શાસનના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વાર્ષિક પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભ તા. ૨૧ માર્ચે, સાંજે ૭.૦૦ વાગ્યે પી.ડી. બૅન્કવેટ્સ હૉલ, પાંચમે માળે, પી. એલ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી-દાદર ખાતે યોજાશે.
અકાદમી દ્વારા વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવે છે. ગુજરાતી અને મરાઠી સાહિત્યકારોને અપાતું કવિ નર્મદ પારિતોષિક અનુક્રમે ભાગ્યેશ જહા તથા લક્ષ્મીકાંત તાંબોળીને એનાયત કરવામાં આવશે. મહારાષ્ટ્રસ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ્લ પંડ્યા; કલા ક્ષેત્રે નિરંજન મહેતા; પત્રકારત્વ ક્ષેત્રે રમેશ દવે તથા સંસ્થાઓમાં ગુજરાતી વિભાગ- એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠની પસંદગી કરવામાં આવી છે.
સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ અને વાર્તા વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે.
- કવિતા વિભાગમાં રાજેશ રાજગોરના `શ્રીકૃષ્ણ ચરિતમ્ (ગઝલ સ્વરૂપે)’ કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળે છે.
- નવલકથા વિભાગમાં પ્રથમ ઈનામ દેવયાની દવેની `આવકાર’ તથા દ્વિતીય ઈનામ ઊર્મિલા પાલેજાની `ત્રીજો ભવ’ નવલકથાને અપાશે.
- લલિત નિબંધમાં ડૉ. સરોજિની જિતેન્દ્રના `જાત સાથે વાત’ પુસ્તકને પ્રથમ તથા નિરંજના જોશીના `છીપ મોતી શંખ’ પુસ્તકને દ્વિતીય ઈનામ મળશે.
- વાર્તા વિભાગમાં કામિની મહેતાના `ઉડાન’ તથા નીલા સંઘવીના `નીલા સંઘવીની નવી વાર્તાઓ’ વાર્તાસંગ્રહને દ્વિતીય ઈનામ સંયુક્તપણે જાહેર કરવામાં આવે છે.
- પ્રકીર્ણ વિભાગમાં પ્રથમ ઈનામ મેધા ગોપાલભાઈ ત્રિવેદીના `મણિબહેન વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન’ પુસ્તકને અપાશે.
સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના અધ્યક્ષ માન. ઍડ. શ્રી આશિષ શેલાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર દ્વારા પારિતોષિકો એનાયત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: નારી ન હોતી જગતમેં, જનમ કિસકે ઘ૨ લેત? જાણો જગતના સર્જન અને પુરુષ-સ્ત્રી સંબંધમાં તેની અગત્યતા…
જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. ૧.૦૦.૦૦૦/-ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. 30,000/- અને દ્વિતીય ઈનામમાં રૂ. ૨૦.૦૦૦/-ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.