Gujarati Sahitya: એક મુઠ્ઠી હાડકાં-એક ઢગલો રાખ

Gujarati Sahitya: માણસની જિંદગીનો કોઈ ભરોસો નથી. ગઈકાલે રાતે જે સ્વજને ફોન પર હસીને વાતચીત કરી હોય તે આજનો સૂર્યોદય જોવા ન પામે ત્યારે હૈયે ઉઝરડો પડે. પ્રાર્થનાસભામાં ધૂપસળીની મંદ-સુગંધથી છવાયેલી અને ગુલાબની પાંદડીઓના હારથી મઢેલી સદ્ગતની છબી જોઈએ ત્યારે તેના સંભારણાઓ ચિત્રપટની જેમ પસાર થતાં જાય અને આંખમાં આંસુના તોરણ બંધાય. આવી એક શ્રદ્ધાંજલિ સભામાં મનોમન લખાઈ ગયુંઃ

Gujarati Sahitya A handful of bones—a pile of ashes by ashwin Mehta.

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: માણસની જિંદગીનો કોઈ ભરોસો નથી. ગઈકાલે રાતે જે સ્વજને ફોન પર હસીને વાતચીત કરી હોય તે આજનો સૂર્યોદય જોવા ન પામે ત્યારે હૈયે ઉઝરડો પડે. પ્રાર્થનાસભામાં ધૂપસળીની મંદ-સુગંધથી છવાયેલી અને ગુલાબની પાંદડીઓના હારથી મઢેલી સદ્ગતની છબી જોઈએ ત્યારે તેના સંભારણાઓ ચિત્રપટની જેમ પસાર થતાં જાય અને આંખમાં આંસુના તોરણ બંધાય. આવી એક શ્રદ્ધાંજલિ સભામાં મનોમન લખાઈ ગયુંઃ

Join Our WhatsApp Community

એક મુઠ્ઠી હાડકાં ને એક ઢગલો રાખ છે, 

આપણી જિંદગીનો કેવો આખરી અંજામ છે!

 જે ઘર ભરીને ખૂબ હસ્યા ને ઝઘડયા હતા 

એ ઘર તણા સઘળા ખૂણા સૂમસામ છે!!

વિદાય થયેલા સ્વજન સાથે વહી ગયેલા સમયની સ્મૃતિ હૈયાની સંદૂકમાં સચવાઈને પડી છે. સાંઈ કવિ મકરંદ દવેની ( Poet Makarand Dave ) પંક્તિ પડઘાય છેઃ

હૈયું હાર પરોવતું બેઠું, કોઈ છબી ને કાજ,

 ફૂલે ફૂલે ફોરમ થઈને, કોણ વહી ગયું આજ ?

 કોઈ જાણે કે કોઈ ન જાણે પ્રાણનો પરમ ભેદ..

જાતસ્ય હી ધ્રુવો મૃત્યુ-દુનિયામાં જનમનારા માટે ગીતાજીમાં ભગવાને મૃત્યુનું સર્ટિફિકેટ આપી જ દીધું છે! છતાંય મૃત્યુનો સહજ સ્વીકાર કરવાનું કેટલું મુશ્કેલ હોય છે! કવિ ઉશનસે માનવ-જાતના આ કારમાં અનુભવને શબ્દાંકિત કર્યો છેઃ

હું જાણું, જન્મ્યા કે મરણ સમું કૈનક્કી ન બીજું, 

મનુષ્યે વહાલાનાં મરણ થકી ટેવાવું જ રહ્યું,

 બને તો મૃત્યુને શિવ-વર- કહી ગાવું ય રહ્યું, 

પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડયું!

છેલ્લી વિદાય ભારે વસમી હોય છે. સ્નેહીજનોનો સંગાથ છૂટવાની વેળાએ જગદીશ જોષીની ( Jagdish Joshi ) અણિયાળી રજૂઆત હૈયામાં ભોંકાય છેઃ

આંગળીએ ફસ્કી કહ્યું ‘આવજો’ ને તોય અહીં, 

આંસુ કેમ ટપક્યું રે આંખથી 

હોઠેથી ચપટી એક ખરી ગયું સ્મિત 

અને અમળાયું મૌન મારા શ્વાસથી! 

લીમડાની ડાળીઓની વચ્ચેથી

 મોગરાનું ખરતું મેં ફૂલ જોયું ક્યાંકથી!

 ઊર્મિની કુમાશ અને કમનીયતાને ગીત-ગઝલમાં સહજતાથી વણી લેતાં આ કસબી કવિની કેફિયત સાંભળોઃ

હું અધુરી પ્યાલીને પંપાળતો બેસી રહ્યો,

આ ભરી મહેફિલ, મને ઊઠી જતાં ના આવડયું! 

લ્યો, સુરાયલ પણ કરે છે બંધ દરવાજા હવે,

 ના નશો, ના ભાન છેઃ ઊઠી જતાં ના આવડયું…

 કોઈ અજ્ઞાત કવિની રચનામાં ચિરવિયોગનો ચિત્કાર સંભળાય છેઃ

વિધિના લખ્યાં લેખ, કેટલાં ક્રૂર થઈ ગયા,

 હાસ્ય તણાં ઝળઝળિયાં આંસુના પૂર થઈ ગયા

હજી જોઈતો હતો સંગાથ, તમે દૂર થઈ ગયા… 

છોડાવ્યો તમે હાથ, અમે મજબૂર થઈ ગયા.

જિંદગીમાં જુદાઈ તો નક્કી જ છે. પણ એકમેકને કળ્યામળ્યાનો આનંદ ઓછો નથી હોતો. નિરંજન ભગત ( Niranjan Bhagat ) કહે છે.

કાળની કેડીએ આપણો ઘડીક સંગ,

 આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ! 

એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાણું હારી!

ક્યાંય ન માય રે એટલો આજ ઉરને થાય ઉમંગ!

આ પણ વાંચો :  Gujarati Sahitya: વૃક્ષ શરણં ગચ્છામિ…

મરણ કરતાં સ્મરણ બળવાન છે. સ્થૂળ દેહે ભલે આપણે ન હોઈએ, પણ કોઈની સ્મૃતિમાં ટહૂક્યા કરીએ ત્યારે હરીન્દ્ર દવેના ( Harindra Dave ) કથનનો મર્મ સમજાયઃ

કાયમ ભલે તમારી સભામાં નહીં હશું, 

દિલમાં નજર કરી જજો, ત્યાંથી કાં જશું?

વ્યક્તિની સ્મૃતિ તેને જીવાડે છે. આ હૃદયસ્પર્શી વાતને કવિઓ વિવિધ રીતે આલેખે છે. મકરંદભાઈ લખે છેઃ 

ફૂલ વિલાયું કિન્તુ ફોરમ અત્તર થઈ ફેલાય,

તાર તૂટયા પણ સૂર હજુયે મંદમંદ રેલાય!

 ગુજરી જવું એટલે પસાર થઈ જવું. સંસ્કૃતમાં કહ્યું છેઃ સતિ ઇતિ સંસાર – રેતીની જેમ સરકી જાય તે સમય છે, તે સંસાર છે. શૂન્ય સાહેબ ફરમાવે છેઃ

જીવન હો કે મરણ અંતે ગુજરવાને જ આવે છે, 

સદા જે સ્વપ્ન આવે છે એ સરવાને જ આવે છે!

જીવતરનો અનુભવ ક્યારેક થકવી નાખતો હોય છે. વધતી જતી વય, એકલતાનો અસહ્ય બોજ, અસાધ્ય બિમારી કે સંસારથી જાગેલી વિરક્તિ… ખલીલ ધનતેજવીના અહેસાસ સુધી લઈ જાય છેઃ

પૂછશો ના શી રીતે જીવાય છે?

શ્વાસ જેવા શ્વાસ હાંફી જાય છે…

તે છતાં પીંછાં સલામત છે હજી

 રોજ આ કાયા સતત પીંખાય છે.

આધુનિક રચનાઓમાં પ્રતીક, કલ્પન કે રૂપકથી અનુભૂતિની તીવ્રતાને કવિતામાં અભિવ્યક્તિ મળે છેઃ અનિલ ચાવડાએ ( Anil Chavda ) અફલાતૂન રૂપકથી કાબિલેતારીફ રજૂઆત કરી છેઃ

એક માણસ નામની ફૂટી છે શીશી,

 ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની!

અને છેલ્લે, હરીન્દ્ર દવેની યાદગાર પંક્તિઓ સાથે વિરમું છુંઃ

મહેંકમાં મહેંક મળી જાય તો મૃત્યુ ન કહો, 

તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો. 

રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો, 

શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો 

આવજો કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો,

 કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો…

Ashwin Mehta

Ashwin Mehta

આ પણ વાંચો : Gujarati Sahitya: લાગણીની લીલીછમ હરિયાળી

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version