News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: વિશ્વકવિતા દિને આ લખવા બેઠો છું ત્યારે નલિન રાવળની ( Nalin Rawal ) પંક્તિ સાંભરે છેઃ
કવિતા તો પલાંઠી… પાલવે ભીંજવે તો લગાવો…
નહીં તો છાપરે જઈ પતંગ ચગાવો.
શ્રીફળને વધેરીએ, કઠોર કોચલું ફોડીએ પછી મીઠું પાણી અને મનગમતી મલાઈ મળે. થોડી ધીરજ રાખીએ તો કાવ્યપ્રસાદીનું માધુર્ય માણી શકીએ. ઘાયલ સાહેબે લખ્યું:
ઘાયલ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ, દાસીના
સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં…
પ્રફુલ્લ પંડ્યાએ ( Praful Pandya ) કરેલું આ વિનયપૂર્વકનું સંબોધન સરવા કાને સાંભળોઃ
માણસનું હોવું નામશેષ થતું જાય,
ત્યારે ને ત્યારે માનવજાત માટે
એકમાત્ર આશા એટલે તું જ!
હે કવિતાની દેવી! તારું સામ્રાજ્ય અમર રહે.
રમેશ પારેખે ( Ramesh Parekh ) લખ્યું :
મારું કાવ્ય એ તો મેં વિશ્વના હોઠ પર કરેલું ચુંબન છે.
અંગ્રેજ કવિ એલિયટે કહ્યું હતું:
માણસ જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી દે છે,
ત્યારે તે કવિતામાં આવીને નિવાસ કરે છે.
કવિતાની સ્વર્ગ–સુંદરી જાણે ધરતી પર વર્ષા જળ બનીને અવતરે છે ત્યારે ગુરુદેવ ટાગોરની ( Gurudev Tagore ) વાણી રૂપે વહે છેઃ
માડી, ત્યાં સ્વર્ગમાં ગોઠતું નહોતું,
એટલે તારે ખોળે પાછાં ફર્યા…
હરીન્દ્ર દવેની ( Harindra Dave ) લયહિલ્લોળાતી પંક્તિ ભીતરને ભીંજવે છેઃ
રાત આખી ઝરમરના ઝાંઝર વાગે,
માડી! ગેબના મલકથી ઉતરતાં લાગે.
આ પણ વાંચો : Gujarati Sahitya: જિંદગી પૂછે સિલેબસ બહારનું…!
અંકિતા મારુ-જીનલની ખુમારી તો જુઓઃ
નથી નડતા કદીયે માવઠા મારા પસીનાને,
કરું છું ખેતી કોરા કાગળે, લઈ આંખમાં પાણી
પ્રિય સખી કવિતાને વિનોદ નગદિયાનું ( Vinod Nagdia ) આ સંવેદનભીનું સંબોધન સાંભળોઃ
કદી લઈ ગઈ તું વેરાન રણની સફરે,
તો આંખે કદી ઘેઘુર અશ્રુવન આપ્યાં…
પ્રિય સખી ઓ કવિતા, પાડ તારો એટલો
ભવોભવ રહે કોમળ એવા તેં મન આપ્યા…
કવિ સંમેલનમાં બેસવાની પાત્રતા કોની છે? સ્નેહી પરમાર ( Snehi Parmar ) કહે છેઃ
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય એ બેસે અહીં,
ને પછી છાતીમાં દુખ્યું હોય એ બેસે અહીં…
હિમલ પંડચાની( Himal Pandcha ) આ પ્રતીતિ કેટલી સચોટ છેઃ
સાવ જ અજાણ્યા લોકના દુઃખદર્દ જોઈને
આ આંખ ભીની થાય ને! ત્યારે જીવાય છે
શંકાથી પર થવાય ને! ત્યારે જીવાય છે,
શ્રધ્ધા પૂરી સ્થપાય ને! ત્યારે જીવાય છે.
છેલ્લે, અમેરિકન કવિ રોબર્ટ ફ્રોસ્ટે( Robert Frost ) કહ્યું હતુંઃ
Poetry begins in Delight, ends in Wisdom.

Ashwin Mehta