News Continuous Bureau | Mumbai
જીવન એટલે ૨ાતનો ઉજાગરો અને દિવસનું ઝોકું…
જીવન એટલે પીડાનું પાથરણું અને સમણાનું ઓશીકું…
ચિંતક – લેખક ગુણવંત શાહના ( Gunwant Shah ) આ વિધાનને સમજવા જેવું છે. કલ્પનાથીયે વાસ્તવિકતા વધુ વિકરાળ હોય છે. વેદનાની વૈતરણીને પાર કર્યા પછી યે સપનાં સાર્થક થાય છે ખરાં? વ્યક્તિ હોય કે સમષ્ટિ-વ્યથાનો પારાવાર સંમુખ લહેરાતો રહે છે. કોઈએ સચોટ વાત કરી છે.ઃ
લોહીની નદી વહેવડાવવાં કરતાંય, આંસુનું એક ટીપું સૂકવવું અઘરું કામ છે!
લોહીથી ખરડાયેલી, યુદ્ધથી ત્રસ્ત માનવજાતને હવે બુદ્ધની શાંતિની જરૂર છે.
પારૂલ ત્રિવેદી ( Parul Trivedi ) લખે છેઃ
આખરે તો શું સિકંદર લઈ ગયો જીતીને? રક્તની સરિતા વહે છે… યુદ્ધ ટાળો, શાંતિ લાવો…
લાશ ઢગલા જોઈ ત્યાં, ચિત્કાર પોકારી ધરા પણ, લાગણી અનહદ રડે છે… યુદ્ધ ( War ) ટાળો, શાંતિ લાવો…
માધવ રામાનુજે ( Madhav Ramanuje ) બે જ પંક્તિમાં પાડેલી ચીસ સાંભળોઃ
એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…
કવયિત્રી પ્રજ્ઞા વશીનો આ શિવ-સંકલ્પ માનવજાતે હૈયે કંડારી લેવા જેવો છેઃ
યુદ્ધ ના હો ભીતરે, પ્રગટે નહીં કોઈ અગન, એક શાંતિ-યુગના મંડાણ જોઈ બેઠી છું…
હિંસા અને હેવાનીયત એ પશુ-જગતની ખૂનખાર હકીક્ત છે, પણ માણસાઈ ( Humanity ) મરી પરવારે ત્યારે ધર્મના ઓઠા હેઠળ જે નરસંહાર ચાલે છે એ કેટલો હૃદયવિદારક હોય છે! ‘કાયમ હઝારી’ બે હાથ ઊંચા કરીને, ભીતરમાં ભંડારેલો લાવારસ કાગળ પર ઠાલવે છેઃ
માનવીની પાશવી ખૂની લીલાઓ જોઈને, મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે!
ના ખપે, એ રામ-અલ્લાહ ના ખપે-ના ખપે, નામ માનવતાનું જેના નામથી કાયમ મરે.
આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: હરિ, જોઈએ છૂટાછેડા મને તમારી સાથે.
ખમીર, ખુમારી અને ખાનદાનીવાળો માણસ, વિફરે તો વાઘ જેવો અને વરસે તો વાદળ જેવો હોય છે. એટલે જ ગૌરાંગ ઠાકરની ( Gaurang Thacker ) આ પંક્તિ કેટલી વજનદાર લાગે છેઃ
ઉછાળી જુઓ પ્રેમનું પરચૂરણ બસ, પરત તમને બમણાં એ સિક્કા મળે છે!
નિનાદ અધ્યારુની ( Ninad Adhyaru ) આ નુક્તેચીની સાંભળોઃ
પહેલાં તો એણે કહ્યું કે શ્વાસની તકલીફ છે, ને પછી ધીમેથી કહે, વિશ્વાસની તકલીફ છે!
દિલની હાલત હું બીજા શબ્દોમાં તો નહીં કહી શકું, માની લો, દુષ્કાળ છે અને ઘાસની તકલીફ છે.
છેલ્લે, રાજેશ રેડ્ડીની ( Rajesh Reddy ) કાબિલેતારીફ ફિલસૂફી આગળ અટકીએઃ
ફૂલોકા ખેલ હૈ, કભી પથ્થરકા ખેલ હૈ, ઇન્સાનકી ઝિંદગી તો મુકદ્દરકા ખેલ હૈ
હમ જિસકો ઢૂંઢતે હૈં જમાનેમેં ઉમ્રભર, વો ઝિંદગી તો અપને હી અંદર કા ખેલ હૈ!!

Ashwin Mehta