News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: વિશ્વયુદ્ધના ( World War ) ઘેરાતાં વાદળોની ગર્જનામાં માણસાઈની માતૃભાષા મૂંગી થતી જાય છે. મિલીટરી અને માર્શલ લો ની એડી નીચે કચડાતી શાંતિ ( peace ) અને ભાઈચારો લોહીલુહાણ થતાં જાય છે. કોમી દાવાનળ અને આતંકવાદના ( terrorism ) ઓથારને નાથવા માટે સંચારબંધી લાગુ કરાય ત્યારે કાંતિ દડિયાની કાવ્યપંક્તિમાં ઝીલાયેલી જંગાલિયતનું શબ્દચિત્ર કંપારી છોડાવે છેઃ
શાંતિથી પસાર થઈ રહી છે રાત કરફ્યુથી
લહેરાય લશ્કર, ગલી ગલી જઝબાત કરફયુથી…
ટાઢા પડી રહ્યા છે અહીં શ્વાસ દિવસના બુલેટ,
લોહી, ચીસ અને આઘાત કરફ્યુથી..
સૂત્રો બધાં હવામાં હવે ઓગળી ગયાં સરઘસ,
ગોળી, લાત અને ઘાત કરફયુથી…
મુખમેં રામ, બગલમેં છૂરી દબાવીને ફરતાં ઘાતકી હેવાનો, માનવતાના મશાલચીની ધોળે દહાડે હીચકારી હત્યા કરે છે એટલે જ દલપત ચૌહાણની ( Dalpat Chauhan ) ચીસ કાન ફાડી નાખે છેઃ
ગાંધી જરૂર જીવતા હશે, નહીંતર આટલા બધા ગોડસે હાથમાં પિસ્તોલ લઈ શાને ફરતા હશે?!
બેવડાં ધોરણોની બોલબાલાના જગતમાં દેવેન્દ્ર જોશીનો ( Devendra Joshi ) બળાપો કાન દઈને સાંભળોઃ
જે ખંજર તમંચો લઈને ફરે છે, એ વાતો બધાંને અમનની કરે છે
જુઓ આ જમાનાની તસવીર કેવી! કે દુર્જનના પાપે સજ્જ ન મરે છે.
કવિતામાં શબ્દો, ક્યારેક અગનજવાળા બનીને લપકારા મારતાં લાગે છે.
શાયર કાયમ હઝારી ભીતરમાં ભંડારેલા લાવારસને કાગળ પર ઠાલવે છેઃ
માનવીની પાશવી ખૂની લીલાઓ જોઈને, મંદિરોને મસ્જિદોનાં પથ્થરો હીબકાં ભરે!
ના ખપે, એ રામ-અલ્લાહ ના ખપે… નામ માનવતાનું જેના નામથી કાયમ મરે!
યુદ્ધમાં લોહીલુહાણ થયેલી ભૂમિ પર વિજય કોનો થાય છે? કુરુક્ષેત્રમાં અર્જુન કે કલિંગ – વિજય પછી સમ્રાટ અશોકને થયેલાં વિષાદનું સ્મરણ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: આખો દરિયો કયાં છે તારો? તારો તો એક જ લોટો છે…!
મહાભારતકાળથી ( Mahabharata ) રણભૂમિ પર હંમેશા માણસાઈ જમીનદોસ્ત થતી જોવા મળી છે… આપણી અંદર હિંસક, લોહીતરસ્યું પશુ ટૂંટિયું વાળીને પડ્યું છે, એના અણિયાળા વાઘનખ અને ચીરફાડ કરવા સદાય તત્પર કરાલ દંતાવિલ આપણી અમાનુષી અસલિયતને છતી કરે છે. ઉર્વિશ વસાવડાનું આ વેધક આત્મનિરીક્ષણ નોખા સંદર્ભમાં જોવા જેવું છેઃ
ચિત્કાર જેવું કૈક છે પ્રત્યેક શ્વાસમાં ને કમનસીબે કોઈ નથી આસપાસમાં..
. વર્ષો વીતી ગયાં, છતાં ન ઓળખી શક્યો એવું ફરે છે કોણ આ મારા લિબાસમાં?
છેલ્લે, આત્મઘાતી બનતી જતી માનવજાતને ઉગારવા માટે હજી કેટલાં ઇસુ ખિસ્ત, બુદ્ધ, મહાવીર કે મહત્મા ગાંધી જેવાં બત્રીસ લક્ષણાઓના બલિદાનોની જરૂર છે? ન જાને!

Ashwin Mehta
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.