News Continuous Bureau | Mumbai
Art of Livingની જેમ Art of Givingનો મહિમા સમજવા જેવો છે. શાસ્ત્રવચન છે કે આપણી આવકનો દસમો ભાગ સમાજોપયોગી સત્કર્મમાં વાપરવો. ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો. વાલીપણાનો સિદ્ધાંત એટલે ખપપૂરતી આવક આપણાઅને પરિવારના નિર્વાહ માટે રાખીને, વધારાની આવક અને મિલકતના આપણે માલિક નથી, પણ વાલી- ટ્રસ્ટી-રખેવાળ છીએ. ( Mariz ) મરીઝ સાહેબનું સદાબહાર મુક્તક વારંવાર મમળાવવું ગમે છેઃ
બસ, એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યાં મળે, જ્યારે મળે, બધાંના વિચાર દે…
દુનિયામાં કંઈકનો કરજદાર છું, મરીઝ
ચૂકવું બધાનું દેણ, જો અલ્લાહ ઉધાર દે…
જગત લેણદાર છે અને આપણે કરજદાર છીએ, એ ગાંધીજીના વિધાનને આ સંદર્ભમાં સંભારવા જેવું છે, ગોસ્વામી તુલસીદાસની ( Goswami Tulsidas ) યાદગાર ચોપાઈ મારા કાર્યક્રમના સભાસંચાલનમાં અનિવાર્ય રજૂઆત બની ગઈ છેઃ
પંખી પાની પીને સે, ઘટે ના સરિતા નીર
દાન કિયે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર
આપીએ તે આપણું અને રાખીએ તે રાખનું રત્નખચિત મંજૂષા પર બેઠેલા કાળોતરા નાગ જેવા, ધનના ઢગલા પર બેઠેલા કંજૂસથી સમાજને થતી હાનિને વાણીમાં કેવી રીતે મૂકવી? મરાઠી કહેવત યાદ આવે છેઃ
આ સમાચાર પણ વાંચો : Gujarati Sahitya: હૈયાફાટ રૂદન સાંભળી, યુદ્ધ નહીં – બુદ્ધ લાવો…
જો દેત તો દેવતા… જો રાખત તો રાક્ષસ..
શિવ ખેરાનું આ વિધાન માનવતા અને દિવ્યતાને જોડાજોડ ગોઠવી આપે છેઃ
Hands that serve Humanity are a lot
better than lips that taik of Divinity.
અદમ ટંકારવીએ કરેલી ટકોર સહુને સાવધાન કરે છેઃ
નફા ને ખોટનો, ખ્યાલ ન કર
ફકીર સાથે ભાવતાલ ન કર
કેમ કે તું નથી તારી મિલકત
દોસ્ત! તારામાં ગોલમાલ ન કર
ખલિલ જિબ્રાનની ( Khalil Gibran ) આ શીખ સરવા કાને સાંભળવા જેવી છેઃ
When our Wealth commands we are poor
When we command over wealth we are rich
છેલ્લે, અમૃત ઘાયલની આ દર્દનાક ફરિયાદ સંવેદનશીલ માણસને હચમચાવી મૂકે છેઃ
ચડી આવે યદિ ભૂખ્યો કોઈ, હાંકી કહાડે છે
નથી કાંઈ પેટ જેવું, અન્નકૂટ એને જમાડે છે
કરાવે છે મકાનો ખાલી, મંદિરો બાંધવા માટે
અહીં માણસને મારી, લોક ઈશ્વરને જિવાડે છે!

Ashwin Mehta