Gujarati Sahitya: જગદંબા અને જનેતાઃ વંદન તુજને માત…

Gujarati Sahitya: જગતજનની જગદંબા, જગદીશ્વરી, વિધ્વંભરી, રાજેરાજેશ્વરી માતાની ભક્તિનું પર્વ, ઊર્જાની આરાધનાનું પર્વ એ માતૃપ્રધાન ભારતીય સંસ્કૃતિની ખાસીયત છે. અહીં ધરતીમાતા, પ્રકૃતિમાતા, ગૈમાતા, ગાયત્રીમાતા, ગંગામૈયા, માતૃભાષા- આ બધામાં સમાન હોય તો માતા છે. આપણું ધારણ અને પોષણ કરતી શક્તિ માતા છે.

Gujarati Sahitya Jagadamba and Janeta Salutations to You Goddess by ashwin Mehta.

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya:  જગતજનની જગદંબા, જગદીશ્વરી, વિધ્વંભરી, રાજેરાજેશ્વરી માતાની ભક્તિનું પર્વ, ઊર્જાની આરાધનાનું પર્વ એ માતૃપ્રધાન ભારતીય સંસ્કૃતિની ખાસીયત છે. અહીં ધરતીમાતા, પ્રકૃતિમાતા, ગૈમાતા, ગાયત્રીમાતા, ગંગામૈયા, માતૃભાષા- આ બધામાં સમાન હોય તો માતા છે. આપણું ધારણ અને પોષણ કરતી શક્તિ માતા છે. સમસ્ત સૃષ્ટિની ધાત્રી-ધરિત્રી- સજર્ક માતા છે. આવી આધ્યશક્તિનું બીજું સ્વરૂપ આપણી જનેતા છે એટલે જ એ પરમ વંદનીય છે. રીસામણાં-મનામણાં, લાડકોડ, રાવ-ફરિયાદ, હેત-પ્રીત આ બધા વ્યવહાર માતા સાથે શક્ય છે. માતૃશિક્તના ( Matriarchy ) આ પાવનપર્વમાં બન્ને માતાને હૃદયાંજલિ આપીએ. કવિ હરીન્દ્ર દવેનું હૈયું ભાવાર્દ બનીને પ્રાર્થે છેઃ

Join Our WhatsApp Community

મા, તું વેદનાની ક્ષણોમાં કર સ્પર્શ શીળો,

 હૂંફાળો હો નિકટતા જ પ્રસન્નતામાં,

 હો દુઃખ કે સુખ મને તવ સંનિધિની,

 સાક્ષી મળો સતત એટલી માત્ર પ્રાર્થના..

 

સૂતાં, જાગતાં, ચાલતાં-બેસતાં, શ્વાસે શ્વાસે, રોમે રોમે મા જગદંબાનું રટણ કવિ પાસે ભક્તિભીના ઉદ્ગારો કઢાવે છેઃ

મા, મારી સર્વ સ્થિતિમાં રટણ તમારું, 

મા મારી સર્વ ગતિમાં તવ પંથ, 

માતા નિદ્રા મહીં અકળ તાર તમારી સંગે ગૂંથાય, 

જાણું તવ દર્શનના ઉમંગે…

કવિનો શબ્દ એ ભગવતીની કૃપા પ્રસાદી છે. યા દેવી સર્વ ભૂતેષુ માતૃરૂપે, શ્રદ્ધારુપે, શક્તિરુપે, બુદ્ધિરુપે, લક્ષ્મીરુપે, ક્ષુધારુપે, ક્ષમારુપે, શાંતિરુપે- સર્વત્ર વાસ તમારો છે, એટલે જ કવિ કહે છેઃ 

આ શબ્દ, એ પણ તમારી કૃપાની દેણ, 

આ વાણી, એ પણ તમારી દયાનું વહેણ, 

હું તો કૃતજ્ઞ રહી જીવીશ, માત નિત્યે,

વીતી રહેલ પળ સર્વ તમારું કહેણ…

માતાનું હૈયું જાણે હિમાલય છે, તેનો નિર્વ્યાજ, નિરપેક્ષ સ્નેહ સમંદર જેવો અગાધ છે, બુદ્ધિથી તેનો તાગ માપી ન શકાય, કવિની વ્યથાભરી યાચના સાંભળોઃ

મા, હું મને ન સમજી કદીયે શક્યો તો,

 ક્યાંથી કહે ગહન તારું સ્વરુપ પામું? 

તું આપ દૃષ્ટિ જગ જોઈ શકું યથાર્થ, 

સંબંધનું ચરમ સત્ય કયું, પિછાણું…

 

પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતી માતા પાસે આપણે લોભિયા થઈને માગ્યા કરીએ છીએ. આપણું ભૂખાળવાપણું લાજમર્યાદા કોરણે મૂકીને આપણને ભિખારી બનાવે છેઃ

મા રોજ રોજ કશું માંગી રહ્યો

 અને તું હંમેશ આપી રહી દિવ્ય કૃપા પ્રસાદ, 

આજે કશુંય નવ માગવું, માત્ર અહીં બેસી રહું

 અરવ શાંતમના બનીને…

આ પણ વાંચો :  Gujarati Sahitya: ખુશ કરીને કોઈને, બસ, ખુશ થવું!

જનેતા અને જગતમાતા- બન્નેના અનંત ઉપકારો અને અગણિત ઋણ આપણા ઉપર છે. ભાવ-ભક્તિથી ભીંજાયેલા હૈયે હરીન્દ્રભાઈ કહે છેઃ

પંખીનો ટહુકો બની રહી તારી સ્મૃતિ આવતી 

આકાશે તડકો બની કદી કદી તારી છબી વ્યાપતી

 આંખોમાં થઈ અશ્રુ તારી કરુણા ભીંજાવી જાતી તનુ

 ને હોઠો પર મૌન થઈ તવ સ્તુતિ આવી વસે એ સમે.

 

પોતાના પંડમાંથી બીજો પિંડ રચી આપતી જનેતાને વાણીમાં કઈ રીતે આલેખવી? એક લોકો સાંભરે છેઃ

 નારીએ જગ ઊપજે, દાનવ-માનવ-દેવ, 

નારી ન હોતી જગતમેં, જનમ કીસકે ઘર લેવ?

 જતી-સતી-સુરમા-ભક્ત-દાસ અરુ સંત, 

નારી બિન કૈસે ઊપજે, નારીએ નામ રહંત 

વહાલી માતાનું વિરાટ દર્શન કવિની વિસ્મયચકિત આંખે કરવા જેવું છેઃ

આકાશના વિસ્તારમાં પણ મેં તને જોઈ હતી

 પાતાળના વિસ્તારમાં પણ મેં તને જોઈ હતી

 ક્યાં ક્યાં તને જોઈ હતી, ના પૂછ તું આગળ મને,

 ભગવાનના આકારમાં પણ મેં તને જોઈ હતી…

મૃત્યુ પછી માતાની મૂર્તિ અદ્રશ્ય થાય છે, પણ તે સ્મૃતિરૂપે કાયમ રહે છે. કવિમિત્ર હિતેન આનંદપરા ( Hiten Anandpara ) લખે છેઃ

તું છે દરિયો અને હું છું હોડી,

 મા, મને કેમ આ ખબર પડી મોડી? 

વારતાઓ કહીને વાવેતર કર્યું અને 

લાગણીઓ સીંચી ઉછેર ખોળામાં પાથરી 

હિમાલયની હૂંફ અને હાલરડે સપનાંની સેર,

 રાતભર જાગી જાગીને કરી ઈશ્વર સાથે જીભાજોડી 

મા, મને કેમ આ ખબર પડી મોડી?

કવિમિત્ર રમેશ જોશીની ( Ramesh Joshi )  નાનકડી કવિતામાં થયેલું માતૃતર્પણ ક્યારેય કેમ ભુલાય?

જિંદગી કેવી કમાલ છે! 

નાનો હતો ને આંખમાં આંસુ આવતા ત્યારે બા યાદ આવતી, 

આજે બા યાદ આવે છે ને આંખમાં આંસુ આવી જાય છે…

 માતાનું સ્મરણ ગમે તે ઘડીએ થાય, આપણને પ્રફુલ્લિત કરી મૂકે છે, આદમ મકરાણી ( Adam Makrani ) કહે છેઃ

અચાનક ફરીથી મા યાદ આવી, 

બધાયે દરદની દવા યાદ આવી

 

બચપણ અને માતા એકમેકમાં ઓગળી જાય છે ત્યારે કવિ કાગબાપુની લયબદ્ધ લોકવાણીનો લહેકો ગુંજે છેઃ

તારે ખોળે આવીને ખેલતા ઘૂમીને ઘૂઘવતા,

 ઇ ખોળે ખૂંદવાને અમને કરજે ને બાળક કાગડા

 આપણા વીતી ગયેલા બાળપણના સમય સાથે માતા- પિતાની હરીભરી યાદો જોડાયેલી હોય ત્યારે કવિની વાણીની મધુરપને મમળાવવી ગમેઃ

માવડીના સ્નેહને સરહદ નથી હોતી, 

ત્યાં થતી દરખાસ્ત કદી રદ નથી હોતી, 

લાગણીની લોકશાહી બેનમૂન છે

 કેમ કે ત્યાં કોઈ પણ સંસદ નથી હોતી

જે રાહ જુએ છે તે મા છે, જે રખોપાં કરે છે એ મા છે, જે ઘર આખા માટે નીચોવાઈ જાય છે એ મા છે… આવી

માતાની ગેરહાજરીની નોંધ કવિએ સજળ નયને લીધી છેઃ

સહુ કહે છે અશ્રુ વહી જાય છે, 

અમે કહીએ છીએ જિંદગી ધોવાય છે,

 યાદ માની ઉરમાં માતી નથી

 એટલે તો આંખડી છલકાય છે, 

ફાટેલી ગોદડી ફરી સાંધી શકાય છે 

ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે?

અને છેલ્લે, હરિન્દ્ર દેવના ( Harindra Dev ) શબ્દોમાં માતૃચરણમાં વંદન કરીએઃ

મારા જો અપરાધ છે નિરવધિ, તારી કૃપા કેટલી! 

મારા જ્યાં ચરણો મહીં બળ નહીં, 

ત્યાં પંથ પોતે વધે જોવા જે ડ્રગમાં 

ન શક્તિ હતી, તે પાસે જ આવી રહે

તારું તેજ પ્રસન્ન, મારું ઉર આ કો’ ફૂલ શું ઊઘડે!

 સહુ વાચકમિત્રોને જય અંબે, ( Jai Mataji ) જય માતાજી

આ પણ વાંચો : Gujarati Sahitya: લ્યો, મને માણસ થવાનું મન થયું…

 

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version