Gujarati Sahitya: જે મળી જીવનની પળો, ચાલ માણી લઈએ…

Gujarati Sahitya: કોરા કાગળ અને કલમનો મુકાબલો કરતો કવિ કુબેર ભંડારીને શરમાવે એવો મબલખ અને માતબર ખજાનો હૈયાની સંદૂકમાં ભરીને બેઠો હોય છે

by Hiral Meria
Gujarati Sahitya Je mali Jivanni Palo, chalo mani laiye by ashwin mehta

 News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya: કોરા કાગળ અને કલમનો મુકાબલો કરતો કવિ કુબેર ભંડારીને ( Kuber Bhandari ) શરમાવે એવો મબલખ અને માતબર ખજાનો હૈયાની સંદૂકમાં ભરીને બેઠો હોય છે. વ્યક્તિ પાસે અભિવ્યક્તિનો ઈલમ હોય ત્યારે કપોળ કવિ કુલગુરુ રમેશ- પારેખના ( Ramesh Parekh )  મુક્તકનું સ્મરણ થાય. 

જાવું જરૂર છે, પ્રથમ કાગળ સુધી તો જા 

તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા

 એમાં મનુષ્ય નામનું કટ્ટર રહસ્ય છે, 

છે બંધ બારણાં, સાંકળ સુધી તો જા… 

માણસના મનનો તાગ લેવો મુશ્કેલ છે. સંબંધોના સમીકરણો સ્વાર્થની સાંકડી ગલીકૂંચીમાં બદલાઈ જતાં હોય છે. ઘરના મોભી પિતાની વિદાય પછી પરિવારમાં ટાંટિયાખેંચ શરૂ થઈ જાય છે એની વેદના મહેશ રાવલના ( Mahesh Rawal ) દર્દનાક મુક્તકમાં આલેખાઈ છે:

બહુ ભોગવી પીડા, સિધાવ્યા બાપુજી સ્વર્ગે, પછી

 ખર્ચા વિશે ચર્ચા હતી, પણ કોઈ કાંઈ બોલ્યું જ નહીં 

વહુઓ સહિત દીકરીઓએ ‘બેઠક’ કરી હિસ્સા વિશે

 બસ, મા વિશે ચર્ચા હતી, પણ કોઈ કંઈ બોલ્યું જ નહીં

સોય સાંધવાનું કામ કરે, તો કાતર કાપવાનું કામ કરે. સમાજમાં બન્ને પ્રકારના માણસો હોય છે. સગપણમાંથી ગળપણ ચાલ્યું જાય અને મીઠાશની જગ્યાએ નકરી ફોર્માલિટી ઘૂસી જાય ત્યારે કવિની ( Poet ) વાણીનો મર્મ સમજાયઃ

સાથે હતી તો સોય પણ દેખાડવા ખાતર હતી

 સંબંધ શું સચવાય? બીજા હાથમાં કાતર હતી

 ક્યાં સમય છે આપણી પાસે, જીવતા માણસ પાસે બેસવાનો

 એટલે તો એના મર્યા પછી ‘બેસણા’ની જાહેરખબર જોઈ હતી!

આ  પણ વાંચો : Gujarati Sahitya:  ઝડપથી મોતની સામે જવાનો શહેરનો માણસ…

દુનિયાદારીની આ દડમજલમાં ‘ચહેરા’ ઓછા મળે છે, ‘મહોરાં’ વધારે મળે છે, ક્યારેક સાધુ અને શેતાન વચ્ચે અદલાબદલી થઈ જતી હોય છે. ખુદ્દાર, ખાનદાન ને ખુમારીવાળો માણસ વિફરે તો વાઘ જેવો થઈ જાય અને વરસે તો વાદળ જેવો થઈ જાય!

આ ફાની દુનિયામાં ઘણાં ચમત્કારો થાય છે

 પતિત પણ અહીં પાવન થાતો જાય છે. 

અરે, જિંદગીભર જેનું નામ લેતાં નથી

 એને લઈ જનારા ‘રામ રામ’ કહેતા જાય છે!! 

‘જીવતરની જાતરા’માં ભીષ્મ પિતામહની જેમ બાણશય્યા પર સૂવાની વ્યથા વેઠવી પડે છે, એમાંથી જ ભીષ્મગીતાનું સર્જન થતું હોય છે. કવિ કહે છે:

દર્દ વચ્ચે રહીને હસવાની મજા આવે છે

 જખમ ખાઈને તડપવાની મજા આવે છે

ઘણાં એવા સંજોગો આવે છે જીવનમાં

 જ્યાં જિંદગી શું છે તે સમજવાની મજા આવે છે.

‘આજનો લહાવો લીજિએ, કાલ કોણે દીઠી છે?’ એવું લોકવાણીમાં ગવાય છે. કવિ-પ્રાધ્યાપક રમેશ જાનીએ વરસો પહેલાં ગાયું હતું

આ મળ્યું રે જગત જેવું, બને તો ચાલ જાણી લઈએ,

જે મળી જીવનની પળો, ચાલ મન મૂકી માણી લઈએ.

જિંદગીના આખરી પડાવ પર માયા-મમતા બધું મૂકીને, દુનિયાને અલવિદા કહીને અનંતયાત્રાએ નીકળી પડવાનું છે, પણ મનમાં પ્રભુમિલનની આસ્થાનું અજવાળું હોય તો કિશોર મોદીની આ વજનદાર વાત સમજાયઃ

આ દેહ નાશવંત છે, અફસોસ કંઈ નથી 

આવાસ શાનદાર છે, અફસોસ કંઈ નથી

 તારા મિલનનું મનમાં આશ્વાસન છે એટલે

 ઉત્સાહ રોમેરોમમાં છે, અફસોસ કંઈ નથી…

છેલ્લે, બિંદુ સિંધુમાં સમાઈ જાય, ઘટાકાશ, ચિદાકાશ અને મહાકાશ એકાકાર થઈ જાય, પ્રભુસ્મરણ સાથે ભગવદ્ આશ્રયની ઝંખના સેવતો જીવાત્મા પરમાત્મામાં ભળી જાય ત્યારે સતીશ પરીખની વાણીનું આ વીણાવાદન સાંભળવાનું મન થાયઃ

મૃત્યુ પછીની વાટ ના વસમી બનાવશો

 મારાં મરણ ઉપર ન કોઈ અશ્રુ સારશો

 વર્ષોના વિરહ બાદ જાય છે જીવ શિવની પાસ, 

એના જવાનો શોક શો? ઓચ્છવ મનાવશો…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ  પણ વાંચો : Gujarati Sahitya:  સંઘરેલા આંસુનો સહુને ભાર લાગે છે… !

Ashwin Mehta

Ashwin Mehta

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More