News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: વરસાદી વહાલ વરસી રહ્યું છે. આકાશનો ઉમળકો ચારેકોર ઠલવાઈ રહ્યો છે. સ્નેહની સરવાણી ઝીલી રહી છે ધરતી અને તેના ધાવણથી હૃષ્ટપુષ્ટ થઈ રહી છે આ સમગ્ર જીવસૃષ્ટિ… કવિના ( Poet ) કૂણા હૈયામાં નવાં નવાણ ફૂટે છે. હર્ષ બ્રહ્મભટ્ટ ( Harsh Brahmabhatta ) લખે છેઃ
આભમાં જ્યાં વાદળો ઘેરાય છે,
માટીને મન ફૂટું ફૂટું થાય છે…
મહેક વરસાવી લઈને આ પવન
લોહીમાં સીધો પ્રવેશી જાય છે..
કવિ અનિલ જોશીની ( Anil Joshi ) નાયિકાને પહેલા વરસાદનો છાંટો વાગ્યો ને બાઈ પાટો બંધાવવાને હાલી. પ્રિયજનને અથવા પરમાત્માને પામવાની તમન્ના અને તલસાટ આદિલ મન્સુરીની ( adil mansuri ) કમલમાંથી આ રીતે પ્રગટે છેઃ
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે
સળંગ ઝીણેરી ઝરમરતી આ કૃપા તારી
બધું જ હોઈ શકે એની આરપાર પડે..
વર્ષારાણીની દોમદોમ સાહ્યબી, એનો રજવાડી ઠાઠ-ઠસ્સો, દરબારી દબદબો ઉર્વિશ વસાવડાની કલમે માણવા જેવો છેઃ
દેડકો, કોયલ, બપૈયા સૂર છેડે છે ભીના
રાજવી એનો રસાલો આ પ્રથમ વરસાદ છે
આભથી ટપકેલ અમૃત તરબતર કરશે બધું
તું ભરી પી લે પિયાલો, આ પ્રથમ વરસાદ છે..
એકવીસમી સદી એટલે ટેકનોલોજીના કરિશ્માની દુનિયા. કમ્પ્યુટર યુગનો પ્રભાવ કવિતામાં ન પડે તો નવાઈ લાગે. હેમંત ગોહિલના ગીતમાં એનો ઉપાડ કેવો અલ્લડ છેઃ
કેડીના કાનમાં કહેતો મારગ કે તાજા ખબર
તને કહું વાદળની વેબસાઇટ ખોલીને
આજકાલ સર્ફિંગ કરે છે સીમ બહુ,
આખું ડાઉનલોડ ચોમાસું કરવાને
મંગાવી મોર કને ફ્લોપી
ફોલ્ડર અષાઢના, ઓપન કરીને પછી
મારી દીધી છે એની કોપી!
કીધાં છે સેવ એણે ફોરાં કંઈ એટલાં
કે રેલી રહ્યાં છે પેજ સહુ..
આ પણ વાંચો : Gujarati Sahitya: ઝડપથી મોતની સામે જવાનો શહેરનો માણસ…
વરસાદી વહાલની આ વાછટમાં થોડાક ભીના થયા પછી, ચિંતનની ચિનગારીમાં થોડીક હૂંફ અને ઉષ્મા મેળવીએ. રઈસ મણીઆરનું વેધક નિરીક્ષણ જુઓઃ
માણસ વિશે બસ આટલું સમજી શકાય છે
રીઝે છે જલદી જલદી, એ જલદી દુભાય છે…
ગૌરવ જરાક રાખ, જરા રાખ દીનતા
તારાથી છે જગત અને તારા વિના ય છે!
ધર્મના નામે, ધતિંગો અને ધીંગાણાઓ દુનિયાભરમાં ચાલે છે. અમૂલખ વસ્તુ કોઈને જડતી નથી. લોક પરલોકની વાતોના વડા કરતાં લોકોને કિરીટ ગોસ્વામી ચીમકી આપતા કહે છેઃ
આપણા સાચા ધરમની મન, તને ક્યાં જાણ છે?
કંઈ અગમની ને નિગમની મન, તમે ક્યાં જાણ છે?
ત્યર્થ ચિંતા આદરી તે આ પછીના જન્મની
કંઈ હજી તો આ જનમની મન, તને ક્યાં જાણ છે?
દરિયામાં તરતી હિમશીલાની ટોચ દેખાય છે, પણ ઊંડાણમાં તેનો વિસ્તાર કળાતો નથી. એટલે જ તો ટાઇટેનિકનો જીવલેણ અકસ્માત થાય છે, કવિ કહે છેઃ
લાખ ચર્ચા થાય છે, મૂળ ક્યાં પકડાય છે?
બહાર બસ દોડે બધા, ક્યાં ભીતર જોવાય છે?
આદર્શની ઊંચાઈને પામી શકાતી નથી અને વિચિત્ર વરવી વાસ્તવિક્તાને સ્વીકારી શકાતી નથી, ગુલામ અબ્બાસ નાશાદ લખે છેઃ
આંખોની સામે શું છે કળાતું નથી હવે
સાચી દિશા છે તોય ચલાતું નથી હવે
ઇશ્વરની સ્તુતિ જેવું ગવાતું નથી હવે
ને સત્યમેવ જયતે લખાતું નથી હવે…!
નસીબ શું છે? કિસ્મત અને પ્રારબ્ધ શું છે? બાલાશંકર કંથારિયાએ વરસો પહેલાં લખ્યું હતુંઃ
અરે, પ્રારબ્ધ તો ઘેલું, રહે એ દૂર માગે તો..
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે…
અને પાંચસો વર્ષ પહેલાં ભક્તકવિ નરસૈંયાએ રોકડી વાત પરખાવી હતીઃ
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું
તેહને તે સમે તે જ પહોંચે…
કાલ કોણે દીઠી છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? શાયરની મૂંઝવણ આપણા સહુની છેઃ
ના થવાનું થાય ને ધાર્યું કશું થાતું નથી
ભાગ્ય સાલ્લી ચીજ શું છે, એ જ સમજાતું નથી…
પૂજ્ય મોરારીબાપુની વાત ગાંઠે બાંધી રાખવા જેવી છેઃ
આપણું ધાર્યું થાય તો હરિની કૃપા
અને આપણું ધાર્યું ન થાય તો હરિની ઇચ્છા..
હાથ હેઠા પડે, પ્રયત્નનો પનો ટૂંકો પડે ત્યારે કાળા માથાનો માનવી હારીથાકીને પોકારી ઊઠે છેઃ
નસીબ સાથ નથી દેતું એટલા માટે
ઊઠે છે હાથ પ્રયાસો પછી દુઆ માટે
ઉકેલ શોધી લો જાતે હવે સમસ્યાનો
સમય નથી કોઈની પાસે સાંત્વના માટે..
ક્યારેક મહાનગરની માયા-મમતા મૂકીને વતનના ઘરમાં પાછા જવાની ઇચ્છા જાગે છે. આપણું ગામ જાણે સાદ કરીને બોલાવે છેઃ
એક બટકું રોટલો ને છાશ મારા ગામમાં
તોય મારે મન હતાં એ ખાસ મારા ગામમાં
રાસ ના આવી મને આ શહેરની આબોહવા
કેટલી મોહક હતી સુવાસ મારા ગામમાં
વાત કરવાનો સમય પણ ક્યાં મળે છે?
આ લોક ને વ્યસ્તતા વચ્ચે ય છે
હળવાશ મારા ગામમાં…
અડચણો, મુસીબતો, આપત્તિઓ વગરનું જીવન હોઈ શકે? કવિની ખુમારી જુઓઃ
વિઘ્નો તો જગતમાં અનંત આવે છે
બસ, પ્રતિકારથી જ એનો અંત આવે છે
ઘટનાક્રમ છે એ કુદરતનો,
જેણે પાનખર ઝીલી હોય તેને જ વસંત આવે છે..
અને છેલ્લેઃ
માનવની વચ્ચે હું શોધું છું માધવ,
શબરી પણ શોધે છે પોતાનો રાઘવ…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ પણ વાંચો : જે મળી જીવનની પળો, ચાલ માણી લઈએ…

Ashwin Mehta