News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: કવિ કલાપીએ લખેલું આ વાક્ય હાસ્યલેખક શ્રી જ્યોતીન્દ્ર દવેની ( Jyotindra Dave ) નજરે ચડયું. તેમણે માર્મિક વિનોદ કર્યો : ‘‘આવું તો ઉધઈ જ કહી શકે. !!” વાંચન એ મનદુરસ્તી માટે અનિવાર્ય છે. તનદુરસ્તી માટે અન્ન-જળ- વગેરે જરૂરી છે, એમ જ મનને નરવું અને નિરામય રાખવું હોય તો સાહિત્યનું સેવન નિયમિત કરવું જોઈએ. વાંચન વર્તમાનપત્રો, સામાયિકો, પુસ્તકોના પાનાંઓમાં અઢળક વેરાયેલું પડયું છે. બર્નાર્ડ શો કહેતા : તમે શું વાંચો છો એ કહો એટલે તમે કેવા માણસ છો એ કહી શકું. તમારા હાથમાં રહેલું પુસ્તક ( books ) તમારી સંસ્કારકક્ષાની ઓળખ બની રહે છે. લોકમાન્ય ટિળકે લખ્યું : હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે એનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં સ્વર્ગ રચી દેશે. ગાંધીજીએ સચોટ વાત કરી હતી કે જે ઘરમાં સમૃદ્ધ પુસ્તકાલય નથી તે સ્મશાનથી ભયંકર છે, જાણીતા વિચારક શ્રી ગુણવંત શાહે તો આગળ વધીને કહ્યું કે જે ઘરમાં ઉત્તમ પુસ્તકો ન હોય ત્યાં દીકરી દેવી નહીં!! કરિયાવરમાં સંસ્કા૨પોષક પુસ્તકોનો સમાવેશ ન કરી શકાય ? ? માત્ર ધોળા ૫૨ કાળું છાપવાથી પુસ્તક બનતું નથી, તેમાં રહેલી વિચારસમૃદ્ધ વાચનસામગ્રીનો મહિમા અપરંપાર છે. એક અંગ્રેજ વિચાર વ્યંગમાં કહ્યું હતું કે જે શિક્ષિત લોકો નિયમિત વાંચતા નથી એ બધા, વાંચી ન શકતા હોય એવા નિરક્ષરોથી જરાય બહેતર નથી!
થોડા સમય પહેલાં, ૯૦ દેશોમાં ૭૫ હજારથી વધુ લીટલ ફ્રી લાઈબ્રેરીની શૃંખલાનો આરંભ કરનારા ટોડ બોલનું પેન્ક્રિયાસના કેન્સરથી અવસાન થઈ ગયું. ટોડને આ લાઈબ્રેરી ( library ) બનાવવાનો વિચાર ૨૦૦૯માં આવ્યો હતો. પોતાની ગેરેજનું તેઓ સમારકામ કરાવી રહ્યા હતા, એ માટે દરવાજા બદલાવા માગતા હતા, પણ તેના લાકડાને ફેંકી દેવા માગતા ન હતા. તેમને પોતાના દિવંગત માતાની યાદમાં આ લાકડામાંથી ચિરંતન સ્મારક બનાવવાનો વિચાર આવ્યો. માતા શાળાનાં શિક્ષિકા હતાં, એટલે ટોડે હરતીફરતી લાઈબ્રેરી બનાવવાનો નિર્ણય કર્યો. એ લાકડાથી બે ફૂટ ઊંચી, બે ફૂટ પહોળી લાઈબ્રેરી બનાવી. તેમાં કપોળ અને કપોળ મિત્ર માતાના પુસ્તકો મૂક્યાં. આ લાઈબ્રેરીને પાડોશમાં આવેલા મેદાનમાં ખુલ્લી મૂકી દીધી, જેથી બાળકો હાથવગા પુસ્તકો વાંચી શકે, પછી તેમણે લીટલ ફ્રી લાઈબ્રેરી નામની સંસ્થા બનાવી, જે હવે દુનિયાના તમામ દેશોમાં કામ કરી રહી છે. ટોડના મત મુજબ આ એક આધ્યાત્મિક શરૂઆત હતી.
પ્રાણપ્યારો શબ્દ છે પુસ્તક… સાડા ત્રણ અક્ષરમાં અનેક બ્રહ્માંડો સમાઈ જાય છે. ફ્રાન્સના લોકો રોમાન્સ અને વાઈનના શોખીન છે, એટલા જ પુસ્તકપ્રેમી ( book lover ) પણ છે. દરિયાકિનારે ઠેરઠેર આવેલા રિસોર્ટમાં આધુનિક ઝૂંપડીઓમાં બનાવેલી લાઈબ્રેરીઓ પુસ્તકોથી ખીચોખીચ ભરેલી હોય છે. સમુદ્રપ્રેમીઓ સ્વિમિંગની મજા લૂંટી લીધા પછી, અહીં આવીને પુસ્તક પસંદ કરીને, સમુદ્રકિનારે ગોઠવેલી ડેક્ચર પર લંબાવી વાઈન કે બિયરની ચૂસકી લેતાં લેતાં મનગમતા પુસ્તકમાં ડૂબકી મારે છે ! ફ્રાન્સની આવી દરિયાઈ લાઈબ્રેરીને મળેલી સફળતા જોઈને હવે ઓસ્ટ્રેલિયા – બલ્ગેરિયા – ઈઝરાયેલ અને સ્પેન વગેરેમાં પણ દરિયાકાંઠે આવા નિઃશુલ્ક પુસ્તકાલયો બનાવી રહ્યાં છે!
આ પણ વાંચો : ખુદને મળવું જરૂરી છે, બાકી તો બધી મજૂરી છે!
વાંચન નો સાત્વિક નશો જેને ચડે છે તેને માટે અન્ય કેફી દ્રવ્યો ગૌણ બની જાય છે. લાઈબ્રેરીની એક શેલ્ફ ૫૨ શેક્સપિય૨, ટાગોર, ટેનિસન, વ્યાસ, વાલ્મીકિ, કબીર, મીરાં, નરસિંહ મહેતાથી લઈને આધુનિક સાહિત્યકારો અને સારસ્વતોના અક્ષરદેહ કતારબંધ, શિસ્તબદ્ધ ગોઠવાયેલા નજરે પડે છે. તમારા હાથમાં રહેલું અખબાર, સામાયિક કે પુસ્તક તમારી સાથે સીધી વાતચીત કરે છે. એકલતાને હડસેલીને એકાંતને સભ૨ ક૨વાનો કીમિયો પુસ્તક સિવાય બીજા કોની પાસે હોય ? પુસ્તક સન્મિત્રની ગરજ સારે છે, એક સત્ત્વશીલ વાંચન માર્ગદર્શકની ભૂમિકા અદા કરે છે, પણ સાવધાન…! હલકું, કનિષ્ઠ કક્ષાનું, પીળા પૂંઠા પાછળ લપાયેલું લખાણ વાસનાઓને વકરાવીને ગુમરાહ કરી શકે છે ! વાચકે વિવેકપૂર્વક વાંચન સામગ્રીની પસંદગી કરવી જોઈએ. આબાલવૃદ્ધ સહુ કોઈ માટે, વિવિધ બૌદ્ધિક અને સાંસ્કારિક કક્ષા તથા રસ-રુચિના લોકો માટે વાંચન વૈવિધ્યનો અખૂટ મહેરામણ લહેરાઈ રહ્યો છે. ઑનલાઈન, ડિજિટલ, વિકિપીડિયાની દુનિયામાં પણ વાંચનનો મહિમા લગીરે ઘટવાનો નથી, એ યાદ રાખજો. વાંચે ગુજરાત, વાંચે ગુજરાતી તો થાય પ્રગતિ આપણા સમાજની…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta