News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: કવિ પાસે કવિતાના જે કલદાર છે તેની કિંમત આંકી શકાય નહીં. તેના મોલ મૂલવી શકાય નહીં. એકાદ પાણીદાર મુક્તક કે ગઝલના છુટાછવાયા શેર ભાવકની ભીતરમાં ઝગમગાટ કરી શકે, અસ્તિત્વનો આસવ પાઈ શકે. કવિ હિમાંશું ( poet Himanshu ) ‘પ્રેમ’નું આ ચોટદાર મુક્તક મમળાવો
મંત્ર સાચો એ જ છે, કે જોઈને બસ, ખુશ થવું, આંખથી અંતરની વ્યાધિ ધોઈને બસ, ખુશ થવું.
પામવું જો હોય મારગમાં પરમનું તત્ત્વ તો… ખુશ રહેવું, ખુશ કરીને કોઈને, બસ, ખુશ થવું!
બોધ, ઉપદેશ કે સંદેશ શાયરની કલમથી ટપકે ત્યારે તેની ચિત્ત-વેધકતા કેવી ચોટડૂક હોય છે! ખલીલ ધનતેજવીના શેરમાં સરળતાની સાથે ગહનતાનો અનુભવ થાય છેઃ
મિત્રતાના પારખાં કપરા સમયમાં થઈ શકે, ધોમતડકામાં જ મૂલ્ય છાંયડાનું હોય છે !
જિંદગીને સામે છેડે મોત બેસાડી દીધું, આપણે મરવાની ધાકે જીવવાનું હોય છે.
જે મળી જીવનની પળો, ચાલ જીવ માણી લઈએ, એવું કવિ કહે છે, ત્યારે સુખદુ:ખના સિક્કાઓને સ્વીકારીને જીવવાની જિગરદારીની વાત કરે છે. શાયર જમિયત પંડ્યાની ( Jamiyat Pandya ) ઝિંદાદિલીને દાદ આપવી જ પડેઃ
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યાં ને મળ્યાં પથ્થર કદી તેનેય પણ, પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો!
શાયર રઈશ મણિયારના ( Raish Maniar ) આગવા અંદાજમાં જીવનના મર્મને પામવાની મઝા સાવ અનોખી છેઃ
ચઢતાં ચઢી જવાય છે ઊંચાઇઓ ઉપર, ભૂલી જવાય છે કે ઉતરવાનું હોય છે !
સાગર અફાટ સામે નથી હોતો હર વખત, ક્યારેક અશ્રુબિંદુમાં તરવાનું હોય છે.
આ પણ વાંચો : Gujarati Sahitya: લ્યો, મને માણસ થવાનું મન થયું…
ક્યારેક માણસ હોવાની પ્રતીતિ ઓગળતી જાય છે. Loss of Indentityની વેદના ધારદાર બનીને ‘મિસ્કીન’ના શેરમાં વ્યક્ત થાય છેઃ
પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા, જીવું છું ઝાંખું પાખું હું, ભૂંસાઈ ગયેલો માણસ છું. છે
સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશાં મઘમઘતાં, હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું!
કાળનો કાટ જેના પર ક્યારેય ન ચડે તે ચડિયાતી કવિતા ગણાય છે. કવિમિત્ર રમેશ જોશીએ ( Ramesh Joshi ) સાહિત્ય સર્જનમાં શબ્દનો મહિમા આ રીતે કર્યો છે
સમય સરતાં મૂલ્ય જેનું વધતું રહે -શબ્દ-સિક્કો રાણી છાપ કલદાર હોવો જોઈએ.
કવિ ક્યારેક આત્મદર્શનની અગત્ય માત્ર બે કે ચાર પંક્તિમાં સચોટપણે વ્યક્ત કરે છે. શાયર હેમેન શાહ ( Hemen Shah ) લખે છેઃ
મુજ નામની વિશાળ ઇમારત કને જઈ, મળવું જ હોય મને, તો તું અંદર તપાસ કર.
તો, કવિ દિલીપ રાવલની ( Dilip Rawal ) અનુભૂતિની અભિવ્યક્તિ જુઓ
ઘૂમ્યો છું જગત આખું હું ઈશ્વરને પામવા, ભીતર જો મારી ડૂબકી તો સાંપડી ગયા.
દુનિયાની પાઠશાળાઓ શીખવાડી ના શકી, ઘૂંટ્યા અમે સ્વયંને, પછી આવડી ગયા!
છેલ્લે, ભાગ્યેશ જહા ની ( bhagyesh Jha ) આ માર્મિક કાવ્યપંક્તિઓનું મનગમતું અર્થઘટન કરીને વિરમીએઃ
ચોમાસે લાગણીઓ કેમે સૂકાય નહીં, હવે, તડકો થઈ આવો તો કેવું ?
હળવેથી રોજ તમે વરસ્યા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું ? !

Ashwin Mehta