Gujarati Sahitya: કાવ્યસર્જનઃ જીવન જીવવાની જડીબુટ્ટી

Gujarati Sahitya: કાવ્યસર્જનઃ જીવન જીવવાની જડીબુટ્ટી

Gujarati Sahitya Kavyasarjan jeevan jivavani jadibutti by ashwin mehta

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: કવિતા લખવી અને કવિતા જીવવી- એ બન્ને ભિન્ન અવસ્થાઓ છે. કવિ જે લખે છે એ ખરેખર જીવે છે ખરો? એવો સંદેહ થાય છે. અચરજ એ વાતનું છે કે જે ખુદમસ્તીથી જીવી જાણેછે એ કંઈ બધું લખી જાણતો નથી. જીવતરની જ્યાફત માણનારી વ્યક્તિ એને તંતોતંત કાગળ પર ઉતારવામાં થાપ ખાઈ જાય એવું બની શકે. સાહિત્યસર્જકના મન-હૃદયમાં ક્યારેક ખુશાલીનો તહેવાર ઉજવાતો હોય છે તો ક્યારેક માતમની માયુસી છવાયેલી હોય છે. આસપાસની દુનિયાદારીના દાવપેચ તેના હૈયામાં ઉઝરડા પાડે છે તો ક્યારેક પોતીકી સૂઝસમજ તેના દર્શનને સાફસૂથરું કરીને વિશદપણે શબ્દરૂપ આપે છે. સતત કાગળ અને કલમની જુગલબંધીનો નાતો જાળવનાર કવિઓ અને લેખકો પાસે સમૃદ્ધ અનુભવ ભંડાર, માતબર શબ્દભંડોળ, નિરીક્ષણ- પરીક્ષણ-આકલનની સૂક્ષ્મ દૃષ્ટિ, વિશાળ વાંચન અને સ્વકીય સંવેદનને માફક આવે એવા સાહિત્ય ( literature ) સ્વરૂપમાં તેને ઢાળવાની ફાવટને કારણે ભરપુર વિવિધતા અને વિપુલતા જોવા મળે છે. 

Join Our WhatsApp Community

કવિતાને ( Poet ) વ્યાખ્યાબધ્ધ કરવાનો પ્રયાસ કાવ્ય શાસ્ત્રીઓ અને સારસ્વતોએ અવારનવાર કર્યો છે. પાશ્ચાત્ય અને પૌર્વાત્ય કાવ્યમીમાંસકોએ તેને નોખી નિરાળી રીતે પરિભાષિત કરી છે. કાત્યાચાર્ય વિશ્વનાથે કહ્યુંઃ વાક્યમ રસાત્મકમ કાવ્યમ

જગન્નાથે કહ્યુંઃ રમણીય અર્થનું પ્રતિપાદન કરે તે કવિતા. કવિકુલગુરુ કાલિદાસે ( Kavikulguru Kalidas ) કહ્યું તેમ શબ્દ અને અર્થની સહિતતા તે કવિતા. પાર્વતી અને પરમેશ્વરની જેમ શબ્દ અને અર્થ એકમેકમાં સંલગ્ન હોય ત્યારે કવિતા રચાય. પશ્ચિમના દેશોમાં થયેલો કવિતાનો વિચાર પણ તપાસવા જેવો છે. વિલિયમ વર્ડ્સવર્થના ( William Wordsworth ) મત મુજબ જુસ્સાભેર થતી ઊર્મિ-ઉછાળ અભિવ્યક્તિ કવિતામાં હોય. કોલરિજે સુચારુ શબ્દોની સુરેખ અને સુયોગ્ય ગોઠવણીને કવિતા સર્જનમાં પ્રાધાન્ય આપ્યું. એબરક્રોમ્બીએ કવિતાને જીવનના અર્થઘટનરૂપે ઓળખાવી, તો કાર્લાઇલ નામના વિદ્વાને કવિતામાં ગીત-સંગીતબદ્ધ વિચાર-પ્રતિષ્ઠાનો મહિમા કર્યો. કવિવર ન્હાનાલાલે ઊર્મિરસિત અને ભાવપ્રધાન, ગેય- સુગેય રચનાને કવિતા ગણી તો વિદ્વાન સર્જક વિવેચક બળવંતરાય ઠાકોરે અગેય, વિચારપ્રધાન કવિતાની નવાજેશ કરી. કવિતામાં શબ્દ, અર્થ, સૂર, તાલ, નાદ, ભાવ અને રસનો મહિમા કરાયો છે.

આ  પણ વાંચો : Gujarati Sahitya:  ‘જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી…’

ટૂંકમાં કવિતા એટલે—

શિશુની આંખથી ટપકતો ભોળો અચંબો, સઘસ્નાતા મુક્તકેશા મુગ્ધાના હોઠ પર રમતો મલકાટ, વિઘુલેખાનો તેજલિસોટો, ખળખળ દડદડતો ઝરણાંનો મધુર નિનાદ, નિરંતર વહેતી શાતાદાયક સરિતાની પ્રસન્નકર ગતિ, વૃક્ષો પર પર્ણમર્મરની મંજુલતા, અમાસની અંધારઘેરી નિશામાં પ્રશાંત આભા-પ્રભાથી ઓપતું તારાચિત આકાશ, ઉત્તુંગ ગિરિશૃંગ પર ચળકતી હિમધવલ નીરવતા, મોંસૂઝણા વખતે કલરવતા વિહંગોનો કર્ણપ્રિય ધ્વનિ, સમાધિસ્થ ઋષિવરના લલાટે – તેજસ્વી મુખારવિંદ પછીતે ઝળકતું આભામંડળ, પ્રાચીમાં થતો પ્રસન્નવદન ચંદ્રોદય… આહાહા કવિતા ક્યાં નથી? માનવમનમાં ચાલતી તરેહ તરેહની મથામણો, જીવનના વિવિધ તબક્કે જન્મતી અને કાળાંતરે વિલય પામતી મનોભાવનાઓ, સતત વહેણ બદલતી-નિતનવા પ્રદેશોને પરિપ્લાવિત કરતી આ જીવન સરિતાને ઝીલવાનો, પ્રત્યેકિત કરવાનો સંતર્પક પ્રયાસ કરે છે કવિતા…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version