News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: સુખ નામનો પ્રદેશ નકશામાં ક્યાંય જડે છે? ઝાંઝવાના જળની જેમ એ તો હાથતાળી દઈને અદશ્ય થઈ જાય છે. એટલે જ ઇસુભાઈ ગઢવીની ( Ishubhai Gadhvi ) માર્મિક વાણી માણવી ગમે છેઃ
સુખનું સરનામું તો સમજણ કહેવાય, સખી!
સમજણ તો લાગણીનું સગપણ કહેવાય, પીડાના પહાડ ક્યાંય પથરાતા ન હોય,
પણ પીડાઓ પહાડ જેવી હોય વહાલપના મધપૂડા ઉછરતા હોય
તો દુખિયારા ડંખ ક્યાંક હોય ક્યાંક તનથી મળાય, ક્યાંક મનથી મળાય,
એમ મળવાની નદીયુંમાં મોજથી તરાય… સખી, સુખનું સરનામું તો સમજણ કહેવાય.
મોજીલા, મતવાલા, મસ્તીફકીર માણસો મન-મરજીથી જીવવાની લિજ્જત માણતા હોય છે. કૃષ્ણ દવેની ( Krishna Dave ) કેફિયત સાંભળોઃ
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં.
આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં.
અરે હસવું જો આવે, હસવું બેફામ… આંસુ જો આવે તો લૂછવાનું નહીં.
કવિતા હોય કે લલિતકલા-આપણી જાત સામે અરીસો ધરીને આપણી આછીપાતળી ઓળખ કરાવે છે. જગતની સાથે હાથ મેળવવામાં જાત સાથેનો નાતો તૂટી જાય છે ત્યારે મહેશ દાવડકરની ( Mahesh Davadkar ) શીખ કાને ધરવા જેવી છેઃ
ખુદને મળવું ખૂબ જરૂરી છે, બાકી તો બધી મજૂરી છે…!
આ પણ વાંચો : Gujarati Sahitya: આપણે તો એટલામાં રાજી…
દંભ અને ડોળ માણસને કોઠે પડી ગયા છે, ભીતરથી જાગીને જાત-તપાસ કરવાનો કોઈ આશય કે અભ્યાસ નથી એટલે જ કવિની વાણી આપણને ઢંઢોળે છેઃ
રોજ સવારે મંદિરમાં આવી ઝાલર વગાડે છે, સૂતેલો છે પોતે ને ઈશ્વરને જગાડે છે!!
વાંદરા જેવું ચંચળ મન જૂજવાં રૂપ રચે છે. જાતભાતના અરમાનોના અરીસા-મહેલમાં માયાવી અને આભાસી સૃષ્ટિ સર્જે છે. રાજેશ રાજગોરનું ( Rajesh Rajgor ) ચિંતન અને દર્શન પામવા જેવું છેઃ
સમય બસ ધારણા મનની, સમય જેવું કશું ક્યાં છે? મરે જો મન,
સમય ગાયબ, હતું જ્યાં જે બધું ત્યાં છે
સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું?
સમયની બહાર જે નીકળે, સમાધિ બસ મળે ત્યાં છે.
નીતિન વડગામાની આ નુક્તેચીની પણ સમજોઃ
જાતને મળવા તમારે એકલું પડવું પડે,
એમ ઓગળવા તમારે એકલું પડવું પડે.
છેલ્લે, ભારતી વોરાએ કરેલા ગીતાજીના મહિમાગાન પાસે વિરમીએઃ
જે દુનિયા આખી જાણે, આપણાથી તે અજાણી છે, ગીતાજીની એ વાણી, વિશ્વ આખાએ વખાણી છે
ન આત્મા તો હણાતો ક્યાંય, જીવે છે ચિરંજીવી, કરે નહીં નૃત્યનો સંતાપ, જેણે ગીતા જાણી છે…
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta