News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: સંબંધોના મૂળમાં લાગણીની લીલીછમ હરિયાળી છવાયેલી હોય છે. પ્રેમામૃતનું સિંચન સંબંધના વૃક્ષને વિકસાવે છે અને વિસ્તારે છે. હૈયામાંથી ફૂટતાં ઊર્મિતરંગો સંબંધના સરોવ૨ને શાતા, સ્થિરતા અને શુચિતા અર્પણ કરે છે. હૃદયનું બંધન જામતાં વરસો લાગે, પણ થોડી સી બેવફાઈ હૈયા પર કુઠારાઘાત કરે અને આખુંય વટવૃક્ષ જમીનદોસ્ત થતાં વાર ન લાગે, શાયર કિશન સ્વરૂપ ( Kishan Swaroop ) કહે છે :
એક રિશ્તા બનાયા ઝમાને લગે
તોડને મેં ફક્ત કુછ બહાને લગે…
પ્રવાસવર્ણનકા૨ રસિક ઝવેરીએ ‘અલગારી રખડપટ્ટી”માં થાળીમિત્રો, તાળીમિત્રો, ખાલી (ખિસ્સા) મિત્રો, પિયાલી મિત્રો, મવાલી મિત્રો, દરિયાદિલ દોસ્તોના પ્રકારો વર્ણવ્યા હતા. સંબંધને દંભનો શ્રાપ લાગે ત્યારે નકલી ચહેરો, બનાવટી મુખવટો બિહામણો બનીને સામે પ્રગટે છે. કવિ અનિલ ચાવડાની ( Anil Chavda ) કલમમાંથી ટપકતું દર્દ સરવા કાને સાંભળોઃ
હાથે હતી તો સોય પણ દેખાડવા ખાતર હતી છેઃ
સંબંધ શું સચવાય? બીજા હાથમાં કાતર હતી… !
નદી પર વહેતી હોડીનો સંબંધ અને જાળ લઈને ઊભેલા માછીમારનો અને માછલીનો સંબંધ, પારધી અને પંખીનો સંબંધ અને ઝાડ પર માળો બાંધીને કલબલતાં પક્ષીઓનો સંબંધ – એક સંબંધમાં પોષણ છે, તો બીજામાં શોષણ છે. એક સંબંધ તારક છે, તો બીજો સંહારક છે. તમે એક તણખલું તોડો છો અને કુદરતના ક્રમને તરછોડો છો. વૈશ્વિક સંવાદિતાના ચક્રને અવળસવળ કરવાનો આ અમાનુષી અખતરો માણસાઈના મૂળિયાંને હચમચાવી નાખે છે.
શાયર શકીલ કાદરીને ( Shakeel Qadri ) કેફિયત કાને ધરવા જેવી છેઃ
મૂળ છું હું, મૂળથી સંબંધ છે…
મારો ચપટી ધૂળથી સંબંધ છે…
અંત અને આદિથી સંબંધ છે…
મૂળથી નિર્મૂળનો સંબંધ છે…
આ પણ વાંચો : Gujarati Sahitya: દર્દનો દરિયો : દર્દની દોલત
આપણા અસ્તિત્વનો સંબંધ શાશ્વતી સાથે છે. સનાતનતા સાથે જોડાયેલો છે. વેદશાસ્ત્ર ( Veda Shastra ) કહે છેઃ
વયમ્ અમૃતસ્ય પુત્રા ।। આપણે સહુ અમૃતના
સંતાનો છીએ. જે માટીનો દેહ ઘડાયો, જેના પીધાં પાણી, એ માટીમાં પાછાં મળી જવાના એ વાત અડધી સાચી છે. નશ્વર દેહ ભસ્મિભૂત ભલે થઈ જતો, અનાદિ- અનંત-અજર-અમર-અવિનાશી તત્ત્વ સાથેનું અનુસંધાન સ્થળ અને સમયને વિંધીને, કાયમી સચવાતું હોય છે, એ વાત મંત્રદૃષ્ટા ઋષિઓ અને કવિઓએ અસરકારક રીતે કહી છે. સંબંધના સરોવરના શાંત જળમાં કવિ વિસ્મયની લકીર ખેંચે છે. કવિ રમેશ પારેખ ( Ramesh Parekh ) વ્યક્તિથી લંબાતા, સમષ્ટિ સુધી ફેલાતાં સંબંધના આકાશને કેવી નજાકતથી અને રમણીય રીતે રજૂ કરે છે.
પ્રેમની ઉથડે કળી તે બે જણાંની હોય છે
તેની જે ખુબુ વહે છે તે બધાંની હોય છે…
સંબંધના પાયામાં સાચુકલા સ્નેહની સરવાણ વહેતી હોય ત્યારે જ કવિ હનીફ રાજાની ( Hanif Raja ) કાવ્યપંક્તિન મર્મ પારખી શકાયઃ
પાંગરી છે મહેંક મારી દૂર દેશાવર સુધી
હું મહોબ્બતનો મુલક છું, ને પ્રાયનો પ્રાંત છું
છું મહોબ્બતનો પૂજારી,
ધર્મ મારો પૂછ ના

Ashwin Mehta