Gujarati Sahitya: મળ્યું છે આગિયાનું આયખું, તો ઝળહળી લઈએ…

Gujarati Sahitya: આપણી ભીતરના સાતમા પાતાળમાં સૂતેલો આતમરામ જાગી જાય ત્યારે માંહ્યલો સાગરની જેમ સભર સભર લહેરાવા લાગે અને ભાષાની ભાગીરથીમાં મનભાવન અવગાહન કરવાનું આમંત્રણ કવિ ચન્દ્રકાંત શેઠની વાણીમાં સાંપડે.

Gujarati Sahitya Malyu che agiyanu aykhu, to jhaḷahali laiye by ashwin mehta

News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya:   આપણી ભીતરના સાતમા પાતાળમાં સૂતેલો આતમરામ જાગી જાય ત્યારે માંહ્યલો સાગરની જેમ સભર સભર લહેરાવા લાગે અને ભાષાની ભાગીરથીમાં મનભાવન અવગાહન કરવાનું આમંત્રણ કવિ ચન્દ્રકાંત શેઠની ( Chandrakant Seth ) વાણીમાં સાંપડે :

Join Our WhatsApp Community

તું છે મારી અંદર તેથી ભર્યો ભર્યો હું લાગ્યું!

તું લીલોછમ અંદર, તેથી ભર્યો ભર્યો હું લાગું!

તું છે મારા પર્ણો પર્ણો, તું છે મારા મૂળમાં,

તારો અઢળક રંગ ઊઘડે, અહીં આ દરેક ફૂલમાં

તારી મઘમઘ લ્હેરે બધે જ ફર્યો કર્યો હું લાગ્યું !

હયાતીની હરેક ક્ષણને અવસ૨ની જેમ ઊજવવાની અભિલાષા હર્ષ બ્રહ્મભટ્ટ ( Harsh Brahmbhatt ) પાસે આવું લખાવી શકે છે.

હોઈએ ત્યાં મ્હેકતું કરીએ બધુંયે

ધરા, નગ૨, આખું જગત રળિયાત કરીએ

જે મળ્યું એને કરી સૌથી સવાયું

આવનારી કાલને સોગાત કરીએ…

 

પ્રભુપ્રાર્થનાના ઘણા પ્રકારો છે. ક્યારેક કાકલૂદી કરીએ, ક્યારેક ઈશ્વર સાથે રિસામણાં – મનામણાં ચાલે, ક્યારેક હળવો ઠપકો કે મ્હેણાંટોણાં ય થાય, તો ક્યાંક સંપૂર્ણ શરણાગતિ સાથે વિનયપૂર્વકની માગણી પણ થાય.

કૃપા તારી બધા પર એકધારી રાખજે ઈશ્વર

હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઈશ્વર

ગજા ઉપરાંત માગીશું નહીં, પણ એટલું કરજે

અમારા પગ પ્રમાણે તું પથારી રાખજે ઈશ્વર…

પરસ્પર હેતપ્રીતની હૂંફ હોય તો વિજય કે પરાજયની ૫૨વા કોણ કરે ? એટલે કવિ બાલુભાઈ પટેલ ( Balubhai Patel ) કહે છેઃ

આપણ કને હોય તે બધું હોડમાં મૂકી દઈ

હાર કે જીત વધાવીએ આપણ એકબીજાના થઈ

આ પણ વાંચો : સાજન બેઠું માંડવે…

પ્રિયજન હૈયાનો હાર બનીને કાયમ માટે ભીતરમાં જડાઈ જતો હોય છે. સ્મૃતિની સંધૂકમાં સચવાયેલાં પ્રીતમના સંભારણાં અહીં ભગવતીકુમાર શર્માની ( Bhagwatikumar Sharma ) કલમના કસબથી પોંખાયા છેઃ

ભીની ભીની વિદાયનો કંઈ

વસવસો નથી

આંસુ બનાવી આંખથી તું

સારજે મને

પથ્થર મટીને શિલ્પ થવાની છે

શક્યતા

તારા હૃદયને ટાંકણે કંડારજે મને…

સમર્પિત પ્રેમીજનોએ હૃદયની એકતાને સિદ્ધ કરી હોય છે. માળા-વીંટી-કુંડળ કે નથણી, નામ-રૂપ ભલે જુદા જુદાં હોય, અંતે તો હેમનું હેમ-એટલે ફક્ત સોનું ઝળાંહળાં થતું હોય છેઃ

શ્વેત જેવું તો જગને ભાસે, આપણે સદાય એક

કેંકનું નામ ફૂલ છે અહીં ને ફૂલનું નામ મ્હેક!

જગતની અંધે૨ નગરીમાં અજવાળાના ઓવારણાં લેવાનું કામ કવિ જ કરી શકે. તેની કવિતા એ ત્રણ અક્ષરનું ત્રિભુવન રચી શકે એટલું કૌવત ધરાવે છેઃ કવિ નંદકુમાર શર્મા કહે છેઃ

પ્રતીક્ષા સૂર્યની ક્યાં લગ કરશું આ તમસ નગરે ?

મળ્યું છે આગિયાનું આયખું, તો ઝળહળી લઈએ

હરીન્દ્ર દવેએ આગવા અંદાજમાં વાણીને વહેતી મૂકી છેઃ 

 માર્ગે મળ્યાં તો ઓળખાણ કરી લઈએ,

થોડીઘણી તો લાગણીની લ્હાણ કરી લઈએ….

આપણને આકર્ષે છે તે કૃષ્ણ છે, અને કૃષ્ણને આકર્ષે છે તે ધારા છે પ્રેમની-રાધા. રાધા અને કૃષ્ણ- એકમેકમાં કેવાં અનુસૂત છે, ઓતપ્રોત છે! ઈસુભાઈ ગઢવીની પાણીદાર વાણીમાં ને બળૂકી બાનીમાં પરખાય છેઃ કવિ કૃષ્ણને કહે છેઃ

તારું તે નામ તને યાદ નો’તું, તે દી રાધાનું નામ હતું હોઠે 

ઠકરાણાં, પટરાણાં કેટલાંય હતાં, તોય રાધા રમતી’તી સાત કોઠે.

અને છેલ્લે, આ દિવ્ય જુગલજોડીને માધવ રામાનુજે લયલીન વાણીમાં વહેતી કરી છેઃ

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળિયાની, વેણ એક વાંસળીના વેણ,

મારગ તો મથુરાનો, પીંછું તો મોરપીંછ, નેણ એક રાધાનાં નેણ !

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

 

Mumbai: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ધમાકેદાર ઉજવાયો મહારાષ્ટ્રની બધી જ ગુજરાતી માધ્યમની શાળાઓનો સરસ્વતી સન્માન સમારોહ , MGT ઈનામ વિતરણ અને ઉત્તમ બાળમંદિર તેમજ શાળાનાં સત્કારનો ત્રિવેણી સંગમ સમાન સન્માન મહોત્સવ
Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ
Jharukho : શનિવારે ‘ઝરૂખો ‘માં’ ‘લીલી પટેલની અભિનય યાત્રા: ભવાઈ, નાટક, સિરિયલ અને ફિલ્મ ‘
Zarukho: બોરીવલીમાં ‘ ઝરૂખો ‘ માં ભાવકોનાં વિવિધ પુસ્તકો વિશેનાં વક્તવ્ય, એક અનોખી સફળ પહેલ!
Exit mobile version