News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: નવજાત પાસે શ્રદ્ધાનો સધિયારો સનાતન છે, એટલે જ ગની દહીંવાળાએ ગાયું હતુંઃ
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને,
હું રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ!
શ્રદ્ધાની મજબૂત ટેકણલાકડી થકી માણસને માર્ગ અને મુકામ-બન્નેને પામવાનું સામર્થ સાંપડે છે. એટલે કવિ ડૉ. જીતેન્દ્ર જોશી – ‘જનક’ કહે છેઃ
શ્રદ્ધાથી ફેંક તો ‘જનક’ ઉત્તર મળી જશે
પથ્થર શું કામ પાણીની ઉપ૨ તર્યો હશે ?
પથ્થર માહીંથી આટલું પાણી ઝરે નહીં,
નીચે નમીને કોઈએ ખોબો ધર્યો હશે…
યાચકનો ભરોસો કેવો અખંડ અને અતૂટ હોય છે. ખાલી ખોબો ક્યારેક તો ભરાઈ જશે એવી આશાને કવિએ વાચા આપી છેઃ
હમણાં જ કોઈ આવીને આપી જશે કશુંક,
લાંબા થયેલા હાથને વિશ્વાસ હોય છે…
કવિનું દર્શન કેવુંક નોખું – નિરાળું હોય છે, તેનું કવન આગવુ ને અલાયદુ હોય છે, એ અશ૨ફ ડબાવાળાની ( ashraf dabawala ) ઉક્તિ સાબિત કરી આપે છેઃ
ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયાં આવે
, ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે
ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં ભૈ,
એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.
માણસમાં ઊંડા ઉતરી શકાય એટલું ઊંડાણ જ ક્યાં છે? એવી અતાગ ગહનતા ક્યાં છે?
છીછરા છીછરા માણસો ને છીછરું છીછરું પાણી,
માણસમાં તો માણસ નામે હોય છે રામકહાણી.
આવા છબછબિયાં કરતાં માણસ અને ઈશ્વર વચ્ચેનો સંબંધ કેવો છે ? કવિએ-કવિએ પોતિકા અનુભવની અનૂઠી દાસ્તાન છે. કવિ જગદીશ જોશીએ ( Jagdish Joshi ) કવિતામાં પ્રશ્નોપનિષદ રચ્યું હતું.
મેં તો માણસને પૂછી બે ઈશ્વરની વાત
તો માણસ કહેઃ ઈશ્વર એ કોણ છે ?
મેં તો ઈશ્વરને પૂછી બે માણસની વાત મા
તો ઈશ્વર કહે : માણસ એ કોણ છે ?
માણસમાં ‘માણસ’ એ કોણ છે ?
જન્મદાતાને ભૂલી જનારા સંતાનની વ્યથા હોય કે ઓળખ ગુમાવી બેઠેલા સંતાનનાં જનકથી વૈદના હોય – કવિની વાણીમાં એ છલકાતી અનુભવાય છે ઃ
આ પણ વાંચો : Gujarati Sahitya: કાવ્યસર્જનઃ જીવન જીવવાની જડીબુટ્ટી
કવિ-નાટ્યકાર સૌમ્ય જોશીનું ( Soumya Joshi ) નિ૨ીક્ષણ કેવું ચોટડૂક છેઃ
ઠોકરની સાથે તુજ નામ લેવાય છે ઈશ્વર
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર!
હેઠા મુકાશે હાથ ને ભેગા થશે પછી જ
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર…
એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર…
કવિ સુરેશ દલાલ પ્રિયતમ અને ઈશ્વર વચ્ચે આસાનીથી અદલ-બદલ કરી શકે છેઃ
ચાલવા માટે રસ્તો જોઈએઃ ઝાલવા માટે હાથ,
આટલું આપી દેઃ પછી હું કંઈ ન માગું નાથ !
આજની ઘડી રળિયામણી છે, અબઘડી ઓચ્છવ ઊજવી લેવાની કવિની મનીષા હૃદયંગમ રીતે વ્યક્ત થઈ છેઃ
કાલની કોને ખબર, હું તો આજને માણી લઉં,
મનમાં જે કંઈ સૂઝે એને લયની વાણી દઉં
જાણ્યું-માણ્યું એની સૌને વ્હાલથી લ્હાણી દઉં…
અને છેલ્લે, નિરંજન ભગતના મનોરથ આગળ અટકીએઃ
ચાલ ફરીએ, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વહાલ ધરીએ !
એકલા રહેવું પડે? આ સૃષ્ટિ છે ના સાંકડી,
એમાં મળી જો બે ઘડી,
ચાહવા વિશેષ ગાવા વિશેષ તો આજની
ના કાલ કરીએ ! ચાલ ફરીએ…

Ashwin Mehta
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.