News Continuous Bureau | Mumbai
Maharashtra Rajya Gujarati Sahitya Akademi : ૧૮૫૩ માં પારસી બિરાદરોએ મુંબઈમાં નાટ્યપ્રવૃત્તિની શરૂઆત કરી પછી એમાં હિન્દુઓએ ઝંપલાવ્યું અને લગભગ ૧૭૦ વર્ષથી આ પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે .જૂની રંગભૂમિ લગભગ સવાસો વર્ષ જેવી ચાલી અને ત્યારબાદ એનું સ્થાન નવી રંગભૂમિએ લીધું . આજે જેઓ ૭૦ની આસપાસ પહોંચ્યા છે એમણે પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, બાપુભાઈ નાયક, જયશંકર ‘સુંદરી ‘આ બધાં નામને હૃદયમાં સાચવી રાખ્યાં હશે. ‘મીઠા લાગ્યા તે મને રાતના ઉજાગરા’ કે ‘નાગર વેલીઓ રોપાવ …’ગીતો હજી પણ એમના કાનના ઢોળાવ ઉપર સ્થિર ઊભાં હશે .
જૂની રંગભૂમિ ટેકનિકલ દૃષ્ટિએ , અભિનય અને રજૂઆતની દ્રષ્ટિએ પણ અદભુત રહી .સેંકડોની સંખ્યામાં સંસ્થાઓ ,કવિઓ, સંગીતકારો, અભિનેતા- અભિનેત્રી, દિગ્દર્શકો નિર્માતાઓ અને ટેકનીશીયનોએ પોતાનું ઉત્તમ યોગદાન આપ્યું.
આ સમાચાર પણ વાંચો : શાહરુખ ખાન થી લઈને આલિયા ભટ્ટ સુધી અંનત-રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં છવાયા આ સેલેબ્રીટી
આ સવાસો વર્ષની સફર મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી , મુલુંડની સંસ્થા ‘સર્જક મિલન’ના સહયોગથી ૩ માર્ચ રવિવારે સાંજે ૫ વાગ્યે મુલુંડમાં ઉજવી રહી છે. કચ્છી લોહાણા મહાજન વાડી, પહેલે માળે ,આર આર ટી રોડ, મુલુંડ પશ્ચિમના સરનામે જૂની રંગભૂમિના અભિનેત્રી તથા ગાયિકા મહેશ્વરી ચૈતન્ય અને રજની શાંતારામ રંગભીની રજૂઆત દ્વારા જૂનાં ગીતો રજૂ કરશે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડોક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ જૂની રંગભૂમિનો આંખે દેખ્યો હાલ રજૂ કરશે તો પ્રખ્યાત સંતુરવાદક અને અકાદમીના કાર્યાધ્યક્ષ શ્રી સ્નેહલ મજમુદાર પગવાજા પર સંગીતના સૂર રેલાવશે . સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ સતીશ વ્યાસ સંભાળશે .
આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે .આયોજન સહકાર રાજેશ ઠક્કર અને રમેશ બારોટનો છે .સહયોગી સંસ્થા સર્જક મિલનના રાકેશ જોશી અને લાલજી સર સર્વને આ નિ:શુલ્ક કાર્યક્રમ માણવા જાહેર નિમંત્રણ આપે છે.
તો પહોંચી જજો મુલુંડ, રવિવારે સાંજે!
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.