ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
કોરોનાના કપરા કાળમાં જ્યારે અનેક લોકોએ પોતાનો રોજગાર ગુમાવ્યો છે, એવામાં ઘણી સંસ્થાઓ સેવાભાવે લોકોને મદદ કરી રહી છે. હાલમાં જ મુંબઈ ગુજરાતી સંગઠનના સહકાર્યથી વિવિધ બીજા ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા મુંબઈની છ શાળાઓમાં અનાજની કિટનું વિતરણ કરાયું હતું.
આમાંની ચાર શાળાઓ ગુજરાતી માધ્યમની હતી, તો બીજી બે મરાઠી માધ્યમની હતી. આ શાળાઓમાં કુલ ૨૦૦ જેટલી અનાજની કિટ આપવામાં આવી હતી. ગુજરાતી શાળાના આચાર્ય, શિક્ષકો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનું દાતાઓ સાથે તાલમેલ બેસાડવાનું કામ મુંબઈ ગુજરાતી સંગઠને કર્યું હતું. આમાં દહિસરની વી. કે. નાથા અને માતૃછાયા શાળા, કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય અને દાદરની મણિબહેન નાનાલાલ હરિચંદ હાઈ સ્કૂલનો સમાવેશ થાય છે.
આ વિશે વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશભાઈ મહેતાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમે બધી શાળાઓ સાથે સંલગ્ન છીએ. જો સમાજના આર્થિક રીતે સંપન્ન લોકો જો શાળાઓનાં માધ્યમથી બાળકો સુધી મદદ પહોંચાડે તો આપણાં જરૂરિયાતમંદ બાળકો સુધી મદદ પહોંચી શકે.”