ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧
શુક્રવાર
મુંબઈના પ્રવેશદ્વાર ગણાતા દહિસરમાં આજે પણ પાંચ ગુજરાતી શાળા ધમધમી રહી છે. આ વાત ૧૯૮૫માં સ્થપાયેલી ડી.એચ. મિશ્રા ગુજરાતી શાળાની, જેની એ સમયે ત્રણ ભાષાઓના માધ્યમ સાથે શરૂઆત થઈ હતી. આ શાળા શરૂ કરવા પાછળનો મૂળ હેતુ વિસ્તારનાં બાળકોને દૂર સુધી ન જવું પડે.
હકીકતે દહિસર (પૂર્વ)ના રાવલપાડા વિસ્તારમાં એ સમયે ગુજરાતીઓ, ઉત્તર ભારતીયો અને મરાઠીઓની વસ્તી તો ખૂબ હતી, પરંતુ શાળા એકપણ નહોતી. નાનાં બાળકોએ હાઈ-વે ઉપરાંત મેઇન રોડ ક્રૉસ કરી શાળા સુધી પહોંચવું પડતું હતું. એથી ત્યારના અધ્યક્ષ મોહનભાઈ એમ. ભોઇર અને હાલના ટ્રસ્ટી ડૉ. હૃદયનારાયણ મિશ્રાએ સાથે મળી લોકો માટે હિન્દી, ગુજરાતી અને મરાઠી એમ ત્રણે ભાષાના માધ્યમની શાળાઓ શરૂ કરી હતી.
એ સમયમાં માત્ર ૩૫ વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી હતી કે દરેક ધોરણના બાર ડિવિઝન હતાં. જોકેઆજે પણ આ શાળા ગુજરાતીઓના પ્રતીક સમી ધમધમી રહી છે અને આજે પણ ગુજરાતી માધ્યમમાં ડીએચ મિશ્રા પ્રાથમિક શાળા અને શક્તિસેવા સંઘ માધ્યમિક શાળામાં કેજીથી લઈને દસમા ધોરણ સુધીમાં લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ સંદર્ભે વાત કરતાં શાળાનાં આચાર્યા નયના પડિયાએ જણાવ્યું કે “નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષામાં શિક્ષણ આપવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એથી હવે ફરી માતૃભાષાની શાળાઓ જલદી ધમધમતી થશે.” વિસ્તારના ઘણા બધા લોકો અહીંથી સ્થળાંતરિત થતાં અને અંગ્રેજી માધ્યમનો પ્રભાવ વધતાં શાળામાં સંખ્યા ભલે ઓછી થઈ હોય, પરંતુ આજે પણ શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે છે.
ઉલ્લેખનીય છે કે શાળામાં બાળકોને અંગ્રેજી શીખવવા માટે શિક્ષક પણ રાખવામાં આવ્યા હતા, જે બાળકોને અંગ્રેજી સહિત વિવિધ ઍક્ટિવિટી પણ કરાવતા હતા. શાળાના વિદ્યાર્થીઓ સ્પર્ધાઓમાં પણ ઉત્સાહથી ભાગ લે છે અને શિક્ષકો પણ તેમને પૂરતો સહકાર આપતા હોવાથી વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધામાં પોતાની શાળાના નામનો ડંકો વગાડ્યો છે.