ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
એકંદરે એવું જોવા મળે છે કે ખેલાડી પોતાની એક જ રમતમાં પારંગત હોય છે, પરંતુ આ વાત છે એક એવા ખેલાડીની જે બે રમતમાં પારંગત છે. મૂળ ઘાટકોપરનો આ ખેલાડી ચેસમાં નૅશનલ લેવલે તો ફૂટબૉલમાં સ્ટેટ લેવલ સુધી પહોંચી ચૂક્યો છે. આ વાત છે જુગલ ભાટિયાની, જે હાલ કાંદિવલીની ઠાકુર કૉલેજમાં BFMના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
અમુક કારણોસર આ પરિવાર બાદમાં અકોલા સ્થળાંતરિત થયું હતું. જુગલે સૌપ્રથમ ૨૦૧૪માં જ્યારે તે સાતમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે અકોલમાં આર. આર. બાબા મેમોરિયલની એક ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને એમાં રૅપિડ ગેમમાં અનરેટેડ કૅટેગરીમાં લગભગ ૬૦૦ પ્લેયર વચ્ચે તે પ્રથમ આવ્યો હતો. ત્યાર બાદ વર્ષ ૨૦૧૫–૨૦૧૭ દરમિયાન તે ક્લાસિક, બ્લિટ્ઝ જેવી ટૂર્નામેન્ટ રમ્યો હતો અને ત્યાર બાદ તેને રેટિંગ પણ મળ્યું હતું. મહારાષ્ટ્ર ચેસ એસોસિયેશન દ્વારા આયોજિત ૨૦૧૮ની ટૂર્નામેન્ટમાં તે આંતરરાજ્ય સ્તરે પહેલા ક્રમે આવ્યો હતો. ત્યાર બાદ તેને રાષ્ટ્રીય સ્તરે રમવાની પણ તક મળી હતી.
જોકેનવમા ધોરણમાં તે ફરી મુંબઈ આવી અને બોરીવલીની ભાટિયા બાલરક્ષક વિદ્યાલયમાં રહી આર. સી. પટેલ શાળામાં અભ્યાસ કરવા લાગ્યો હતો. તેણે આ સમય દરમિયાન ફૂટબૉલ રમવાની શરૂઆત કરી અને કોઈપણ વિશેષ ટ્રેનિંગ વગર ૨૦૧૮માં ડાયસ યુનાઇટેડ ક્લબના ટ્રાયલ રાઉન્ડ દરમિયાન તે સિલેક્ટ થયો હતો અને ત્યાર બાદ ક્લબની ટીમમાં જોડાઈ ગયો હતો. તેણે દેશના વિવિધ ભાગમાં અનેક ટૂર્નામેન્ટમાં રમી અને ટીમ માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. ત્યાર બાદ ૨૦૧૮માં દાદરા-નગર હવેલીમાંથી સેવેન અસાઇડ નૅશનલ ચૅમ્પિયનશિપમાં આંતરરાજ્ય સ્તરે પણ ફૂટબૉલ રમ્યો હતો.
આ વિશે વધુ વાત કરતાં જુગલ ભાટિયાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “ભારતમાં હજી ફૂટબૉલની લોકપ્રિયતા ઓછી છે, એથી બીજી રમતોની સરખામણીમાં ફૂટબૉલમાં તક ઓછી ઉપલબ્ધ છે.” જુગલે ચેસ માટે પણ શરૂઆતમાં માત્ર બે જ મહિનાની ટ્રેનિંગ લીધી હતી. ત્યાર બાદ તે બુક વાંચી-વાંચીને આગળ શીખતો ગયો. હાલમાં પણ તે વિવિધ બુક વાંચીને ચેસમાં માસ્ટરી મેળવવા મથી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે જુગલ હાલ અકોલામાં છે અને વીકએન્ડમાં બાળકોને ચેસ શીખવે છે અને પોતે પણ પ્રેક્ટિસ કરે છે.