ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
આ વાત છે શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુમ્બાદેવી મંદિર રત્નચંદ્રજી પ્રાથમિક શાળામાં ભણાવતાં શિક્ષિકાની, જેણે પોતાની શાળાના પ્રચાર-પ્રસાર અને માતૃભાષામાં શિક્ષણના ફાયદા સમાજ સુધી પહોંચાડવા માટે નવો ઉપક્રમ શરૂ કર્યો છે. તેમણે આ કાર્ય માટે ડિજિટલ કાર્યપ્રણાલી અપનાવી છે.
કલ્પના મિસ્ત્રીએ યુટ્યુબ પર એક ચૅનલ બનાવી છે અને વિવિધ વીડિયો બનાવી આ કાર્ય કરે છે. તેમણે પોતાની ચૅનલ પર ‘મારી માતૃભાષા, મારી અભિલાષા’ નામથી વીડિયો સિરીઝ પણ શરૂ કરી છે. એ અંતર્ગત તેઓ પોતાની શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને મહાનુભાવો સાથે માતૃભાષાના શિક્ષણ અને એના ફાયદા વિશે વાતચીત કરે છે. તેમણે અત્યાર સુધીમાં આ સિરીઝના ભાગરૂપે નવ વીડિયો બનાવ્યા છે.
લોકડાઉન દરમિયાન તેમણે બધી તકનિકી બાબતો શીખી હતી અને ત્યાર બાદ શાળાની વિદ્યાર્થિનીઓ માટે પણ યુટ્યુબ ચૅનલ પર વિવિધ વીડિયો બનાવીને મૂક્યા હતા. આ અગાઉ બીજી ગુજરાતી શાળામાં સરપ્લસ થવાને કારણે તેમની બદલી પણ થઈ હતી અને એથી જ તેમણે આત્મમંથન કરી પોતાની માતૃભાષાની શાળા માટે વિચારી તેમની બીજી યુટ્યુબ ચૅનલ પર વીડિયો સિરીઝ શરૂ કરી હતી.
આ બાબતે વધુ વાતચીત કરતાં કલ્પના મિસ્ત્રીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “નવી શિક્ષણ નીતિમાં જણાવાયું છે કે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે. હવે આપણે જ સમાજને આ હકીકતથી અવગત કરાવવાનો છે.” તેમના મતે આપણે માતૃભાષાના માધ્યમમાં અંગ્રેજી પર ભાષા તરીકે પહેલેથી જ ધ્યાન આપવાની જરૂર છે, જેથી બાળક માતૃભાષા સહિત અંગ્રેજી પણ સારી રીતે શીખી શકે.
ઉલ્લેખનીય છે કે આ એ જ શાળાનાં શિક્ષિકા છે, જેમાં લોકડાઉનના કાળમાં સંખ્યા વધી હતી. તેઓ હાલ બીએડ અને યોગિક વિજ્ઞાનમાં પીજી ડિપ્લોમાનો કોર્સ પણ કરી રહ્યાં છે. તેમણે પહેલા ધોરણની વિદ્યાર્થિનીઓને અંગ્રેજી શીખવવા માટે ‘આલ્ફાબેટ રીડિંગ વિથ સાઉન્ડ સિરીઝ’ પણ બનાવી છે.
તેમની યુટ્યુબ ચૅનલની લિંક – https://www.youtube.com/channel/UCuevnsbOEAsYXEvFADFJQeQ