News Continuous Bureau | Mumbai
Organ Donation :
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 188 મા અંગદાતા થકી લીવર,બે કિડની અને બંને આંખોનું દાન મળ્યું
- ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાન મનુભાઇ ઓડિયાને માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ
- અમદાવાદ સિવિલમાં સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ જાહેર થતાં સ્વજનોએ કર્યું અંગદાન
- છેલ્લા ચાર વર્ષ થી સિવિલ હોસ્પિટલમાં અવિરત ચાલી રહી છે અંગદાનની ઉમદા કામગીરી:- ડૉ રાકેશ જોષી
- સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૬૪ લીવરનું દાન મળ્યું છે
“વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત બે કિડની અને બે આંખોનું દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં ૧૮૮ મુ અંગદાન થયું છે.
સમગ્ર વિગતો એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ના વતની ૧૭ વર્ષના યુવાન મનુભાઇ ઇન્દ્રેશભાઇ ઓડીયાને તા.૧૨-૦૪-૨૦૨૫ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે માર્ગ અકસ્માત નડ્યો. જેમા માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ત્યારબાદ સઘન સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારપછી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં તારીખ 16/04/2025 ના રોજ લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા 19-04-2025 ના રોજ ડૉક્ટરોએ મનુભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. મનુભાઇ ના પિતા ઇંદ્રેશભાઇ તેમજ તેમના દાદાએ ખુબ વિચારના અંતે આવી પરીસ્થિતિમાં મનુભાઇના અંગોનુ દાન કરી બીજાના શરીર માં મનુભાઇ જીવીત રહેશે એમ સમજી બીજા ત્રણ લોકોની જીંદગી બચાવવા અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ અંગદાનના સેવાયજ્ઞ માટેની ટીમ સરકારની ગાઇડલાઇન મુજબ આઇ સી યુ માં રહેલ દર્દીઓને બચાવવા તેમજ તેમાંથી જો કોઇ દર્દી કમનસીબે બ્રેઇન ડેડ થાય તો રાતદિવસ કાર્યરત રહી તેનુ મેનેજમેન્ટ કરી સગાને અંગદાન કરવા સમજાવે છે અને એ રીતે બીજા પાંચ થી આઠ લોકોની જીંદગી એક બ્રેઇન ડેડ દર્દી માંથી બચાવવાનો પ્રયાસ કરે છે.
આ સમાચાર પણ વાંચો : નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયા..
મનુભાઇ ના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. મનુભાઇ થી મળેલ બે આંખોનુ દાન સિવિલ મેડીસીટી કેમ્પસની જ એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વિકારવામાં આવ્યુ. આમ આ અંગદાન થી કુલ ત્રણ લોકો ની જીંદગી આપણે બચાવી શકીશુ તેમ તેમણે વધુ માં જણાવ્યુ હતુ
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 188 અંગદાતાઓ થકી કુલ 615 અંગો નું દાન મળેલ છે. જેમાં 164 લીવર, 342 કીડની, 11 સ્વાદુપિંડ, 60 હ્રદય, 30 ફેફસા, 6 હાથ, 2 નાના અંતરડા અને 10 ચામડીનો સમાવેશ થાય છે. આ 188 અંગદાતા ઓ થકી 597 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.