News Continuous Bureau | Mumbai
Organ Donation :
- નવી સિવિલ હોસ્પિટલથી ૭૦મુ અંગદાન
- ગ્રામ્ય નાગરિકોમાં પણ અંગદાનની જાગૃત્તિ: અંગદાનના પૂણ્યકાર્યમાં પણ આપી રહ્યા છે યોગદાન
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૪૮ કલાકમાં ત્રણ સફળ અંગદાન થયા છે. અગાઉ સુરતના બમરોલીના શર્મા અને નર્મદાના વસાવા પરિવાર બાદ આજે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની બ્રેઈનડેડ થયેલી ૧૩ વર્ષીય કિશોરીનું અંગદાન થતા વધુ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે ૭૦મુ અંગદાન થયું છે.
તાપી જિલ્લાના કુકુરમુંડા તાલુકાના બાલદા ગામના આદિવાસી ફળિયામાં રહેતા અનિલભાઈ જરીયાભાઈ ઠાકરે ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ૧૩ વર્ષીય પુત્રી મનિષાને તા.૨૦મી જૂને તાવ, લોહીનું ઓછું પ્રમાણ અને માથાના દુ:ખાવો હોવાથી નજીકના ખાનગી દવાખાને લઈ જવાઈ હતી અને ૨ બોટલ રક્ત ચઢાવવામાં આવ્યું હતું. તબિયત ગંભીર હોવાથી તા.૨૬મીએ નંદુરબારની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં સીટી સ્કેનમાં માથાના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું જણાયું હતું. જેથી વધુ સારવાર માટે તા.૨૬મીએ ૧૦૮ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ અને ત્યારબા ICU માં શિફ્ટ કરવામાં આવી.
તા.૩૦મીએ RMO ડૉ.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.જય પટેલ, ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિ દ્વારા મનિષાને તા.૩૦મીએ બપોરે વહેલી સવારે બ્રેઈનડેડ જાહેર કરાઈ હતી. ત્યારબાદ ઠાકરે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડૉ.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. આ આદિવાસી પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. સ્વ.મનિષાના પિતા અનિલભાઈ, માતા પ્રમિલાબેન, બે ભાઈઓ કનિલાલ અને કાર્તિકે સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. બે કિડની અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપદાદા દેશમુખે જણાવ્યું હતું કે, અંગદાન જનજાગૃત્તિ અભિયાન હવે જનઆંદોલન બન્યું છે. અંગદાન એ મહાદાન છે અને બ્રેઈનડેડના અંગોથી કોઈને જીવનદાન મળી શકે છે. સમાજમાં અંગોની જરૂરિયાતવાળા લોકોના જીવન બચાવવાના સંકલ્પને પ્રેરણા આપી એક સામૂહિક ઝુંબેશ બને તેવો પ્રયાસ કરી રહ્યા છીએ, જેમાં હવે ગામડાના લોકો પણ સહભાગી બની રહ્યા છે, ગ્રામજનોની સેવાભાવના સરાહનીય છે. વિશેત: આમનાગરિકો, સામાજિક અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ સામૂહિક પ્રયાસો સાથે અંગદાનને જનઆંદોલન બનાવવા આગળ આવે તે અતિ આવશ્યક છે. તાપી જિલ્લાના ઠાકરે પરિવારે પોતાની ૧૩ વર્ષીય બાળકીના અંગોનું દાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : India-US Trade Deal: ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર પર સરકારની પહેલી પ્રતિક્રિયા આવી, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું – ‘અમુક શરતો સાથે કરાર…’
નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.