News Continuous Bureau | Mumbai
- સુરત એરપોર્ટ પર ૪૫ દિવસના સ્ટોલમાં રૂ.૨ લાખનો નફો થયો -: કેશ્વી સ્વસહાય જુથના કિંજલબેન પટેલ
- મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘રાખી મેળો’-૨૦૨૩’
Rakhi Mela 2023: સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓના સ્વાવલંબન અને સશક્તિકરણ માટે દીનદયાળ અંત્યોદય મિશન અને શહેરી આજીવિકા મિશન અંતર્ગત કતારગામ સિંગણપોર મલ્ટીપર્પઝ હોલ બહાર પાર્કિંગમાં રાખડીઓના પ્રદર્શન અને વેચાણ માટેના રાખી મેલા- ૨૦૨૩ શરૂ થયો છે, જેમાં ડભોલીના કેશ્વી સ્વસહાય જૂથની બહેનોએ સ્ટોલ ઉભો કરી મંડળ નિર્મિત ૩૦થી ૪૦ પ્રકારની રાખડીઓ, તહેવારોને લગતી ચીજવસ્તુઓ વેચાણ કરી રહી છે. આ બહેનોએ સ્વનિર્ભર બની હસ્તકલાકારીગરીથી સ્વરોજગારને નવી ઓળખ આપી છે.
સુરત રેલવે સ્ટેશન અને સુરત એરપોર્ટ પર સ્ટોલ
ડભોલી ખાતે રહેતા કેશ્વી સ્વ સહાય જુથના કિંજલબેન પટેલ જણાવે છે કે, અમારા જુથમાં ૧૦ બહેનો કાર્યરત છે. સિઝન પ્રમાણે હોમમેડ વસ્તુઓ જેવી કે રાખડી, વાઘા, બેલ્ટ, કલાત્મક ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરીએ છીએ. સ્ટોલ ફાળવણીથી સ્વરોજગારીના વિકાસમાં મદદ મળી છે. સુરત રેલવે સ્ટેશન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ અને સુરત એરપોર્ટ ખાતે પણ અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જેમાં ૮૫ હજારનો નફો તેમજ સુરત એરપોર્ટ પર ૪૫ દિવસના સ્ટોલમાં રૂ.૨ લાખનો નફો થયો છે.
આ સમાચાર પણ વાંચો : CAIT Chandrayaan-3 : દેશભરના વેપારીઓએ ચંદ્રયાન-3ના સફળ ઉતરાણની કરી ઉજવણી, લગાવ્યા ભારત માતા કી જય, વંદે માતરમના નારા..
આર્થિક પગભર બન્યા
વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારની મિશન મંગલમ યોજનામાં મળતી લોન સહાય નાનકડા વ્યવસાયને આગળ વધારવામાં ખૂબ ઉપયોગી પુરવાર થઈ છે. વર્ષ દરમિયાન વિવિધ સ્થળે યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને આર્થિક પગભર બન્યા છીએ. જેમાં ઉત્પાદન અને વેચાણમાં વધારો થયો છે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના ખૂબ આભારી છીએ.